રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ હતી. ત્યારે આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરતના ક્તારગામ અને સિંગણપોર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતાં આ સાથે જ સુરત કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન પાણીમાં ગયો છે.
વલસાડ, સુરત અને નવસારી સહિતમાં વહેલી સવારથી જ મેઘસવારી આવી પહોંચી હતી. વાપીમાં ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો સુરતમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. તેમજ અનેક વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આજે સવારે ૬ વાગ્યે પુરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૧ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવામાં અઢી ઈંચ ખાબક્યો હતો.
સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થતાં જોવા મળ્યા હતા, જેના કારણે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ક્તારગામ, સિંગણપોર સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. ક્તારગામ, સિંગણપોરમાં ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. સુરતમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. હજી પણ વરસાદ વરસવાનું શરૂ છે. વરાછા, પાલનપુર પાટિયા, અડાજણ, પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા છે.
તમને જણાવી દઈએ કે સુરત શહેરમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ૨ ઇંચ વરસાદ ખાબક્તાં અનેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશન ગરનાળુ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સુરતના વેડરોડ વિસ્તારમાં રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
નવસારી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. નવસારી શહેરમાં આવેલા ધાનેરા પોઇન્ટ મંકોડિયા, સ્ટેશન રોડ જમાલપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદ આવતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.અમદાવાદમાં પણ એકાએક વરસાદ તુટી પડયો હતો માત્ર થોડા વરસાદને કારણે ઠેર ઠેર વરસાદના પાણી ભરાઇ ગયા હતાં