તિબેટનો પ્રશ્ન વિશ્વમંચ પર ઉઠાવે ભારત

લોક્તંત્રના નવા પ્રહરી

અમેરિકન સાંસદોની એક ટીમ જે રીતે દલાઇ લામાને ધર્મશાળા આવીને મળી, તે એટલા માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ ટીમના સાંસદોમાં નેન્સી પેલોસી પણ હતી, જેમણે અમેરિકી સંસદમાં ‘રિસોલ્વ તિબેટ એક્ટ’નું વિધેયક મૂક્યું છે. તેમાં તિબેટ સમસ્યાના સમાધાન માટે ચીન પર દબાણ કરવાની ભલામણ છે. આ વિધેયક પર અમેરિકી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થઈ જવાથી ચીન પર તિબેટીઓ સાથે વાતચીત કરવાનું દબાણ બનાવવાની અમેરિકાની ગંભીરતા દેખાશે. તેનો પ્રભાવ દુનિયાના અનેક દેશો પર પણ પડી શકશે. આ દેશોમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે ભારત.

ઉલ્લેખનીય માત્ર એટલું જ નથી કે ભારતે અમેરિકી સાંસદોની ટીમને ધર્મશાલા આવીને દલાઈ લામાની મુલાકાત લેવાની અનુમતિ આપી, પરંતુ આ ટીમની વડાપ્રધાન મોદીએ પણ મુલાકાત લીધી. ડોકલામ અને ગલવાન ઘાટી પર ભારત-ચીન તણાવના સંદર્ભે તેનો સંકેત સ્પષ્ટ છે. જો ભારત પણ કૂટનીતિમાં ચીનની જેમ યથાર્થવાદી પગલાં ભરે તો પરસ્પર સંબંધ સુધારની સંભાવના વધશે. માત્ર સદ્ઇચ્છા અને સાંકેતિક વાતોથી ભારતને આજ સુધી કશો લાભ થયો નથી. વસ્તુત: તિબેટ જ ભારત-ચીન સંબંધો વચ્ચેની કડી છે. તેની અવગણનાથી પરસ્પર વિશ્ર્વાસ પેદા નહીં થાય.

અહીં યાદ કરી લઈએ કે બેજિંગમાં ૧૯૫૪માં થયેલ પંચશીલ સમજૂતી ભારત-તિબેટ પર જ હતી. આ સમજૂતીનું શીર્ષક જ છે – ‘ચીનના તિબેટ ક્ષેત્ર અને ભારત વચ્ચે વેપાર અને સંબંધ વિશે.’ છ અનુચ્છેદોની આ સંક્ષિપ્ત સમજૂતીમાં કુલ નવ વખત તિબેટનું નામ આવ્યું છે. તેમાંથી પાંચ અનુચ્છેદોમાં માત્ર એનું વર્ણન છે કે ભારત-તિબેટ સંબંધ પૂર્વવત ચાલતા રહેશે. ઐતિહાસિક દૃષ્ટિએ સો-પચાસ વર્ષ કશું જ નથી હોતાં. ૧૯૫૧ સુધી તિબેટ સ્વતંત્ર દેશ હતો. માર્ચ ૧૯૪૭માં દિલ્હીમાં ‘એશિયન રિલેશન્સ કોન્ફરન્સ’માં તિબેટ અને ચીન, બંનેએ સ્વતંત્ર દેશોની જેમ ભાગ લીધો હતો.

૧૯૧૪માં શિમલામાં ચીન, તિબેટ અને ભારતે પરસ્પર સીમાંકન સમજૂતી પણ કરી હતી. જો ચીન ૧૮૯૦ના દસ્તાવેજનો હવાલો આપીને ડોકલામને પોતાનું ગણાવે છે, તો ૧૯૧૪ના દસ્તાવેજ અનુસાર તિબેટ પણ સ્વતંત્ર દેશ છે. એવા તથ્ય ઉઠાવીને જ ભારત, ચીન અને તિબેટ, ત્રણેય વચ્ચે પહેલાંની જેમ પરસ્પરતાનો સંબંધ બનવાનો માર્ગ મળી શકે છે. એ ઠીક છે કે ૧૯૪૯માં ભારતથી ભૂલ થઈ, જ્યારે તેણે ચીની કમ્યુનિસ્ટોને તિબેટ હડપવા દીધું. તેની અવેજીમાં ચીને ભારત અને તિબેટને સંતુષ્ટ કરવા માટે પંચશીલનો ઉપાય કર્યો. તેનો સાર એ જ હતો કે તિબેટ અને ભારતના સાંસ્કૃતિક, વેપારી, સામાજિક સંબંધ પહેલાં જેવા જ ચાલતા રહેશે – કોઈ પાસપોર્ટ, વિઝા કે પરમિટ વગર.

એ ઐતિહાસિક તથ્ય છે કે ભારત અને તિબેટ સંબંધે સદીઓથી ખુલ્લા અને પારસ્પરિક હતા, જેમાં ચીનનો કોઈ અવરોધ ન હતો. જ્યારે ચીની નેતા પંચશીલ સમજૂતીનો હવાલો આપેછે, તો ભારતીય નેતાઓને કહેવું જોઇએ કે તેના અનુચ્છેદ બે અને પાંચ અનુરૂપ તિબેટી અને ભારતીય તીર્થયાત્રીઓની બેરોકટોક યાત્રાઓ પુનસ્થાપિત કરવામાં આવે. વસ્તુત: ન્યાય અને વ્યાવહારિક્તા, બંનેનો તકાદો છે કે પંચશીલ સમજૂતીના તમામ છ અનુચ્છેદ લાગુ કરવામાં આવે, નહિ તો તિબેટ અને તેની સહાયતા માટે ભારત સહિત દુનિયાના અન્ય ઉદાર દેશ એ જ રીતે સ્વતંત્ર છે, જેમ અન્ય દેશ કોઈ પીડિત દેશની મદદ માટે હોય છે. નિર્મલ વર્માએ તિબેટને ‘સંસારનું અંતિમ ઉપનિવેશ’ ગણાવ્યું હતું.

ભારત અને તિબેટે પોતાની સહિયારી ચિંતાઓ અને સાંસ્કૃતિક જરૂરિયાતો પર બોલવાનો પૂરતો અધિકાર છે. આ જ આખા મામલાને ઉકેલવાનું સૂત્ર છે, પરંતુ મોટાભાગના નેતા અને બુદ્ઘિજીવી ‘તિબેટ રિજન ઓફ ચાઇના’ની શબ્દાવલીમાં હંમેશાં ચાઇના પકડે છે અને તિબેટ ભૂલી જાય છે! વાસ્તવમાં એનાથી ઉલટું થવું જોઇએ. હંમેશાં તિબેટનું નામ લો અને ચીનને ટોકો. ભારતનું પડોશી પહેલાં તિબેટ છે. તેના પછી ચીન છે. પંચશીલ સમજૂતી થતાં કેટલાય પત્ર-પત્રિકાઓમાં સમાચારનું મથાળું તું – ભારત-તિબેટ સમજૂતી. તેના બે-ત્રણ દાયકા બાદ પણ દુનિયાભરના નક્શામાં તિબેટ અલગ દેશ જ રહ્યો.

દુર્ભાગ્યે ભારતીય બુદ્ઘિજીવી અને નેતા કેટલીય ગંભીર ચીજોનું નામ લે છે, પરંતુ તેના અર્થ પર યાન નથી આપતા, જ્યારે ચીન યથાર્થવાદી હોવાને કારણે તિબેટ અને ભારત બંનેના અધિકારથી વાકેફ છે. તેથી તે દલાઈ લામા પર સાવધાન રહે છે. તેમની સાથે દેશી-વિદેશી નેતાઓ મળે તેનો વિરોધ કરે છે, જ્યારે ભારત પોતાના ર્ક્તવ્યથી ચૂકી જાય છે. એ વિચિત્ર છે કે જે તિબેટને લઈને ભારતની સમજૂતી બેજિંગ સાથે થઈ હતી, તે તિબેટની વાત ભારત જ નથી કરતું.