
મહારાષ્ટ્રની બહેનો માટે દર મહિને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના સિનિયર સિટિઝનોને તીર્થયાત્રા કરાવવા માટેની જાહેરાત કરી હતી. મુંબઈમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ વિશે જાહેરાત કરતાં કહ્યું હતું કે ’મહારાષ્ટ્ર સરકાર દ્વારા ’મુખ્ય મંત્રી તીર્થ દર્શન યોજના’ આ જ વર્ષથી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેનો લાભ ૬૦ વર્ષથી મોટી ઉંમરના શ્રદ્ધાળુઓ લઈ શકશે.
આ યોજનામાં ૧૦,૦૦૦ ગરીબોને તીર્થયાત્રા કરાવવામાં આવશે. મહારાષ્ટ્ર સંતોની ભૂમિ છે. અહીં અનેક મહાન સંત થઈ ગયા જેમના વિચાર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ આજે ફેલાયેલા છે. તેમના નામથી રાજ્યમાં અનેક પાવનક્ષેત્રો બન્યાં છે. મહારાષ્ટ્ર જ નહીં, દેશભરમાં આવેલાં તીર્થોનાં દર્શનની સૌને ઇચ્છા હોય છે. આથી રાજ્ય સરકારના સહયોગથી ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન દ્વારા યાત્રા માટે સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે. એમાં પ્રવાસ ઉપરાંત નાસ્તો, ભોજન અને પીવાના પાણીની સુવિધાની સાથે તીર્થક્ષેત્રમાં રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.