દાહોદ,
મોરબીમાં થોડા દિવસો પહેલાં ઝુલતો પુલ તુટી પડતાં 100 થી વધુ લોકોના મોત નીપજ્યાં હતાં. આ બનાવમાં પોલીસ દ્વારા કેટલાંક આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટુંકીવજુ અને કમાવીરા ગામના ત્રણ ગરીબ આદિવાસીઓ જેઓ ઝુલતા પુલ પર ફરજ બજાવતાં હતાં તેઓની પણ અટકાયત કરવામાં આવતાં આ મામલે મજુર અધિકારી મચ, દાહોદ દ્વારા આ ગરીબ અને નિર્દોષ મજુરોને જેલ મુક્ત કરવામાં આવે અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આજરોજ મજુર અધિકારી મંચ, દાહોદ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
તારીખ 30મી ઓક્ટોમ્બરના રોજ મોરબીમાં ઝુલતો પુલ તુટવાથી 135 જેટલા નિર્દોષ લોકો મોતને ભેટ્યો હતાં. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભારત દેશમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ ઘટનામાં કેટલાંક આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટુંકીવજુ અને કમાવીરા ગામના ત્રણ આદિવાસી મજુરોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જે સંદર્ભે આજરોજ મજુર અધિકારી મંચ, દાહોદ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, ટુંકીવજુ અને કમાવીરા ગામના ત્રણ ગરીબ, નિર્દોષ આદિવાસી મજુરો અલ્પેશ ગલાભાઈ હોહિલ, દિલીપ ગલાભાઈ ગોહીલ અને મુકેશ દલસીંગભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવેલ છે અને જેલના હવાલે કરવામાં આવેલ છે. આ ત્રણેય કામદારો નિર્દોષ છે. આ ત્રણેય કામદારોની સમારકામની કામગીરીમાં કોઈ ભુમીકા નથી. અલ્પેશ અને દિલીપ બે સગા ભાઈઓ છે. જ્યારે મુકેશભાઈની પત્નિ હાલમાં સદર્ભા છે. પોતાના પરિવારનું ભરણપોષણ અર્થે આ ત્રમેણ કામદારો બાળ વયે મોરબીમાં ઓરેવા કંપનીમાં મજુરીકામ કરતાં હતાં. દિવાળીની રજાઓ હોઈ કંપનીએ ઝુલતા પુલમાં કામગીરી સોંપી હતી. ગરીબ અને નિર્દોષ કામદારોને આરોપીઓ બનાવ કરતાં અસલી ગુન્હેગારોને પકડવામાં આવે તેમજ આ ત્રણ કામદારોને જેલ મુક્ત કરવામાં આવે તેની સાથે સાથે ધરપકડ કરનાર જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે મજુર અધિકારી મંચ, દાહોદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.