ગોધરા તાલુકામાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

ગોધરા તાલુકા પંથકમાં સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કરનાર આરોપીને સ્પેશિયલ પોકસો કોર્ટે ગુનામાં તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની સજા અને દસ હજારનો દંડ કરતો હુકમ કર્યો છે.

ગોધરા તાલુકા પંથકના એક સગીર વયના છોકરાને આરોપી સરફરાજખાન ઉર્ફે સપુડો ઈબ્રાહિમખાન ઉર્ફે સલીમ પઠાણ(રહે.પોપટપુરા, વણાંકપુર મસ્જિદ ફળિયુ, તા.ગોધરા)એ એકાંતમાં લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચરી ભાગી છુટ્યો હતો. આ બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે આરોપી સામે પોકસો સહિતની જોગવાઈ મુજબ ગુનો નોંધી પોલીસે સરફરાજખાન ઉર્ફે સપુડો ઈબ્રાહિમખાન ઉર્ફે સલીમ પઠાણની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસ પંચમહાલ જીલ્લાના સ્પે.જજ આર.જે.પટેલની કોર્ટમાં ચાલી ગયો હતો.

દરમિયાન કોર્ટે રેકર્ડ ઉપરના પુરાવા, મદદનીશ સરકારી વકીલ આર.એમ.ગોહિલની ધારદાર દલીલો ફરિયાદી ,ભોગ બનનારની પંચો, તબીબ અન્ય સાહેદો અને તપાસ અધિકારીની જુબાનીના આધારે આરોપી સરફરાજ ખાન ઉર્ફે સપુડો ઈબ્રાહિમખાન ઉર્ફે સલીમ પઠાણને ગુનામાં તકસીરવાન ઠેરવી ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ 235(2)અન્વયે દંડ સંહિતાની કલમ-71 તથા જનરલ કલોઝીજ એકટની કલમ-26 તથા પોકસો એટકની કલમ-42 સાથે વાંચતા ભારતીય દંડ સહિતની કલમ-377 તથા પોકસો એકટની કલમ-4, 6 મુજબ શિક્ષાપાત્ર ગુનામાં 20 વર્ષની સખ્ત કેદની સજા અને 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સખ્ત કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે.