વિક્રમ મિસ્ત્રી વિનય મોહન ક્વાત્રાના સ્થાને ભારતના નવા વિદેશ સચિવ બનશે; આદેશ જારી

ભારતને નવા વિદેશ સચિવ મળ્યા છે. સરકારે દેશના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વિક્રમ મિસ્ત્રી ને આગામી વિદેશ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. વિક્રમ મિસ્ત્રી ની નિમણૂક ૧૫ જુલાઈએ થશે.

ભારતના વર્તમાન વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા છે. તમને જણાવી દઈએ કે ક્વાત્રાનો કાર્યકાળ આ વર્ષે ૩૦ એપ્રિલે પૂરો થયો હતો પરંતુ કેન્દ્ર સરકારે તેમનો કાર્યકાળ છ મહિના માટે લંબાવ્યો હતો. વિનય મોહન ક્વાત્રાએ ૩૦ એપ્રિલ ૨૦૨૨ના રોજ વિદેશ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે વિદેશ સચિવના પદ પર ડેપ્યુટી એનએસએ વિક્રમ મિસ્ત્રી ની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિક્રમ મિસ્ત્રી વર્ષ ૧૯૮૯ બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે.

આ સિવાય મનિકા જૈનને રોમાનિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મનિકા જૈન હાલમાં વિદેશ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે મણિકા જૈન ટૂંક સમયમાં તેમનું નવું પદ સંભાળશે.