રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની બીજી સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ મેચમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ત્રીજી ફાઈનલ હશે. આ પહેલા ટીમ ૨૦૧૪માં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ ત્યારબાદ તેને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૦૭માં, ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમી અને પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું. ૧૦ વર્ષના લાંબા ગાળા બાદ ટીમ ઈન્ડિયા ફરી એકવાર ફાઈનલમાં પહોંચવામાં સફળ થઈ છે. આવી સ્થિતિમાં હવે ચાહકો રોહિત શર્મા અને કંપની પાસેથી આશા રાખી રહ્યા છે કે ટીમ ૨૦૧૩થી ચાલી રહેલા આઇસીસી ટ્રોફીના દુકાળને ખતમ કરવામાં સફળ રહેશે.
૨૦૧૪માં બાંગ્લાદેશ દ્વારા આયોજિત ટી ૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો સામનો શ્રીલંકા સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા ૧૩૦ રન બનાવવા સફળ રહી હતી. વિરાટ કોહલીએ ૫૮ બોલમાં ૭૭ રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન યુવરાજ સિંહ હારનો ગુનેગાર હતો, તેને ૨૧ બોલમાં માત્ર ૧૧ રન બનાવ્યા હતા. શ્રીલંકાના બોલરોએ છેલ્લી કેટલીક ઓવરોમાં શાનદાર બોલિંગ કરીને ભારતને ઓછા સ્કોર સુધી રોકી દીધું હતું.૧૩૧ રનના આ ટાર્ગેટનો પીછો કરવામાં શ્રીલંકાની ટીમ ૧૭.૫ ઓવરમાં ૬ વિકેટે સફળ રહી હતી. આ જીત સાથે શ્રીલંકાએ ૨૦૧૧ના વર્લ્ડ કપનો સ્કોર પણ ભારત સાથે સરલ કરી લીધો હતો.
૧૦ વર્ષની લાંબી રાહ બાદ ભારતે ફરી એકવાર ટી ૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ વખતે તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે જે આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે. ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં બંને ટીમો અત્યાર સુધી અપરાજિત રહી છે અને ટી ૨૦ વર્લ્ડ કપનો એવો રેકોર્ડ છે કે આજ સુધી કોઈ અપરાજિત ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી, પરંતુ આ વર્ષે આ રેકોર્ડ પણ તૂટી જશે.