લોક્સભાના સ્પીકર ઓમ બિરલાએ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હીના ઘર પર શાહી ફેંકવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓમ બિરલાએ શુક્રવારે સંસદ સંકુલમાં ઓવૈસી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કાર્યવાહીનું આશ્ર્વાસન આપ્યું છે. તેમજ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પાસે હાઈ સિક્યોરિટી ઝોનમાં બનેલી આ ઘટનાને કારણે ઓમ બિરલાએ દિલ્હી પોલીસ કમિશનરને પણ સમન્સ પાઠવ્યું છે.
ગુરુવારે રાત્રે બનેલી ઘટના બાદ ઓવૈસીએ આશંકા વ્યક્ત કરી હતી કે દક્ષિણપંથી કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા બદમાશોએ તેમના ઘર પર કાળી શાહી ફેંકી હતી. ઓવૈસીનું કહેવું છે કે આ પહેલા પણ આ ગેંગ સાથે જોડાયેલા લોકો સક્રિય રહ્યા છે અને તેમને ધમકીઓ પણ આપતા રહ્યા છે.
પોતાના ઘરે બનેલી આ ઘટના અંગે ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર લખ્યું, ’કેટલાક અજાણ્યા બદમાશોએ મારા ઘર પર કાળી શાહીથી હુમલો કર્યો છે. દિલ્હીમાં મારા ઘરને કેટલી વાર નિશાન બનાવવામાં આવ્યું તેની ગણતરી હવે હું ગુમાવી ચૂક્યો છું. જ્યારે મેં દિલ્હી પોલીસ અધિકારીઓને પૂછ્યું કે આ બધું તેમના નાક નીચે કેવી રીતે થઈ રહ્યું છે, તો તેઓએ તેમની લાચારી વ્યક્ત કરી.
આ સાથે ઓવૈસીએ મોટો આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આ બધું તમારી દેખરેખમાં થઈ રહ્યું છે. ઓવૈસીએ લોક્સભા સ્પીકર ઓમ બિરલાને પૂછ્યું કે કૃપા કરીને અમને જણાવો કે શું સાંસદોની સુરક્ષાની ખાતરી આપવામાં આવશે કે નહીં?
તમને જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવૈસી એક સ્વર નેતા છે. તેઓ પોતાના તીક્ષ્ણ નિવેદનો માટે જાણીતા છે. સંસદમાં લોક્સભાના સભ્ય તરીકે શપથ લેતી વખતે ઓવૈસીએ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. આ અંગે ભાજપના કેટલાક નેતાઓએ તેમની સદસ્યતા રદ કરવાની માંગ પણ ઉઠાવી હતી.