મણિપુરની પ્રાદેશિક અને વહીવટી અખંડિતતા માટે રેલી યોજાઈ, ગેરકાયદેસર વસાહતીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

મણિપુર ઈન્ટિગ્રિટી કોઓડનેશન કમિટીના બેનર હેઠળ આયોજીત આ રેલી ઈમ્ફાલ પશ્ર્ચિમ જિલ્લાના થાઉ મેદાનથી શરૂ થઈ હતી. લગભગ ૪ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ રેલી ખુમાન લંપક સ્ટેડિયમ ખાતે સમાપ્ત થઈ હતી. રેલીમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો અને ગામના સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. પડોશી દેશ મ્યાનમારથી ગેરકાયદેસર રીતે પ્રવેશેલા સ્થળાંતરકારો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રેલીમાં લોકોએ ’ભારતના સ્વદેશી અને કાયદાકીય નાગરિકોને બચાવો’, ’કોઈ અલગ વહીવટ નહીં’ અને ’મણિપુરની પ્રાદેશિક અખંડિતતાને બચાવો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

તમને જણાવી દઈએ કે મણિપુરમાં ૩ મે ૨૦૨૩ના રોજ જાતિય હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં ૨૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુર હાઇકોર્ટે ૨૭ માર્ચ ૨૦૨૩ના રોજ મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ યાદીમાં સામેલ કરવા માટે વિચારણા કરવાનો આદેશ આપ્યો હતો. આ સૂચના બાદ મણિપુરમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી. જો કે બાદમાં હાઈકોર્ટે તેના આદેશને રદ કર્યો હતો. જસ્ટિસ ગોલમેઈ ગફુલશિલુની ખંડપીઠે આદેશમાંથી એક ફકરો હટાવતા કહ્યું કે તે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના વલણની વિરુદ્ધ છે.