જો હું સત્ય કહીશ તો અભય દેઓલ ક્યાંય મોઢું નહીં બતાવી શકે,અનુરાગ કશ્યપ

અભય દેઓલ અને અનુરાગ કશ્યપની શાબ્દિક લડાઈ પાછી શરૂ થશે એમ લાગી રહ્યું છે. આમ તો આ ઝઘડો ઘણો જ જૂનો છે. મૂળ અભય અને અનુરાગે દેવ ડી ફિલ્મ સાથે કરી હતી. આ દેવદાસ ફિલ્મની મૉડર્ન આવૃત્તિ હતી. આ ફિલ્મને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મને યુવાનો દ્વારા ખૂબ વખાણવામાં આવી અને હિન્દી સિનેમાના ક્રિટિક્સે પણ ખૂબ વખાણી હતી. દેવ ડી ફિલ્મ આટલી સફળ થઇ તેમ છતાં એ અનુરાગ અને અભયની છેલ્લી ફિલ્મ હતી. એ ફિલ્મથી જ બંનેના સંબંધ વણસી ગયા હતા. અભય દેવ ડી રિલીઝ થઇ એ સમયે પણ હાજર નહોતો રહ્યો અને એણે પ્રમોશનમાં પણ આવવાનું ટાળ્યું હતું. એ વખતે અનુરાગે અભય ઉપર ઘણા આરોપ લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે અભય સાથે કામ કરવું ખૂબ અઘરું હતું. એ એની સરનેમ દેઓલનો ફાયદો ઉઠાવતો હતો.

એણે લૉ બજેટની ફિલ્મમાં પણ ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાની માંગણી કરી હતી. એટલું જ નહીં એના ટેન્ટ્રમ્સ એટલા બધા છે કે ઇન્ડસ્ટ્રીમાંથી મોટાભાગના ડાયરેક્ટર્સ એની સાથે કામ કરતાં ખચકાય છે. એ સમયે અનુરાગના આ આરોપોનો અભયે કોઈ જવાબ નહોતો આપ્યો પણ એ પછી એને આ વિશે પૂછવામાં આવ્યું તો એણે જણાવ્યું હતું કે અનુરાગ સાવ ખોટો માણસ છે. મેં મારી સરનેમનો ફાયદો નહોતો ઉઠાવ્યો પણ એણે સામેથી જ મને કહ્યું હતું કે તારે તારી સરનેમ પ્રમાણે ફાઇવ સ્ટારમાં જ રહેવું જોઇએ. એણે મારા ઉપર સાવ ખોટા આરોપ લગાવ્યા છે, એ માત્ર મારા વિશે ઝેર જ ઓકી શકે છે. આમ જોવા જઇએ તો એ માણસ જ પોઇઝનિક છે.

અભય દેઓલની આ વાત બાદ છેક અત્યારે અનુરાગ કશ્યપે અભયની એ વાતનું રિએક્શન આપ્યું છે. અનુરાગે જણાવ્યું હતું કે હું અભયને પોઇઝનિક લાગતો હોઇશ તો પણ મને કોઇ સમસ્યા નથી. એ અમારા ઝઘડાની એક બાજુ જ છે. એણે એની સાઇડ દુનિયા સામે રાખી, જો હું મારી સાઇડ લોકોને કહીશ તો અભય કોઇને મોઢું દેખાડવાલાયક નહીં રહે. એના મને એટલા ખરાબ અનુભવ થયા છે કે હું એ જણાવી શકું એમ નથી. અભયને પણ અંદરખાને એ વાતની ખબર છે કે હું બોલીશ તો એની ઘણી વાત ઉઘાડી પડશે.