ભારત માટે સૌપ્રથમ વખત (૧૯૮૩) વર્લ્ડ કપ જીતનાર ક્રિકેટ ટીમના સુકાની કપિલ દેવે જણાવ્યું કે, જસપ્રિત બુમરાહ મારા કરતા એક હજાર ગણો વધુ સારો બોલર છે. પ્રવર્તમાન ટી૨૦ વર્લ્ડ કપમાં બુમરાહનો અસાધારણ દેખાવ જોવા મળ્યો છે અને ટીમ ઈન્ડિયાના આ પેસ બોલરે અત્યાર સુધી ૨૩ ઓવર ફેંકી છે જેમાં ૪.૦૮ની ઈકોનોમી સાથે ૧૧ વિકેટ ઝડપી છે.
કપિલ દેવે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફિટનેસની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, બુમરાહ મારા કરતા એક હજાર ગણો શ્રેષ્ઠ છે. અમારી પાસે વ્યાપક અનુભવ હતો. તે વધુ સારો છે. જસપ્રિત બુમરાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ પેસ બોલર્સની યાદીમાં સ્થાન ધરાવે છે અને તેણે ભારત તરફથી ૨૬ ટેસ્ટ રમતા ૧૫૯ વિકેટ ઝડપી છે. આ ઉપરાંત ૮૯ વન-ડેમાં તેના નામે ૧૪૯ વિકેટ જ્યારે ટી૨૦માં ૬૮ મેચમાં ૮૫ વિકેટ છે. ભારતના મહાન ક્રિકેટર કપિલ દેવના નામે ૪૩૪ ટેસ્ટ વિકેટ છે અને તેને ભારતના સર્વકાલિન ઓલ-રાઉન્ડર ગણવામાં આવે છે. કપિલ દેવે વન-ડેમાં ૨૫૩ વિકેટ પણ લીધી છે. કપિલ દેવે ભારતીય ટીમના ખેલાડીઓની ફિટનેસ અંગે જણાવ્યું કે, આ લોકો ઘણા ફિટ છે તેમજ મહેનતુ પણ છે. તેઓ ખરેખર અદભૂત છે.
ભારતના દિગજ્જ ક્રિકેટર કપિલ દેવે ભારતને ટી૨૦ વર્લ્ડ કપ જીતવા માટે ટીમ તરીકે રમવાની સલાહ આપી છે. ૮૩ના વર્લ્ડ કપ વિજેતા સુકાનીના મતે કોઈ વ્યક્તિગત કૌશલ્ય નહીં પરંતુ સંયુક્ત પ્રયાસ જ રોહિત એક દાયકાથી વધુના આઈસીસી ટ્રોફી જીતવાના દુકાળનો અંત લાવી શકશે કે કેમ તેના પાછળનું મુખ્ય પરિબળ રહેશે. મેચ જીતવા એકાદ ખેલાડી સારું રમે તે જરૂરી છે પરંતુ ટુર્નામેન્ટ જીતવા સામૂહિક પ્રયાસ જરૂરી છે. જો તમે રોહિત, વિરાટ અથવા બુમરાહ તથા અર્શદીપ એક જ ખેલાડી પર નિર્ભર રહો છો તો તમે વિજય નહીં મેળવી શકો. કપિલ દેવે વધુમાં જણાવ્યું કે, ૧૯૮૩ના વર્લ્ડ કપમાં વિજય મારા એકલાને નહીં તમામ ટીમના સભ્યોને આભારી છે. ભારતના મહાન ક્રિકેટરે રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમને ટ્રોફી જીતવા માટે શુભેચ્છા પાઠવી હતી