કડાણા ડાબા કાંઠા નહેર પિયત વિસ્તારની નહેર માંથી રવી મોસમ 2022-23ના વર્ષ માટે પાણી આપવા માટે અરજીઓ મંગાવવામાં આવી

ગોધરા,

કાર્યપાલક ઈજનેર, કડાણા વિભાગ નં 1, દિવડા કોલોની હસ્તકની કડાણા જમણા કાંઠા નહેર તથા વરધરી સિંચાઈ તળાવ ખાતે ખરીફ સિંચાઈનો લાભ લેવા માગતા સિંચાઈ વિસ્તારના બાગાયતદારોને આથી જણાવવામાં આવે છે કે, ચાલુ વર્ષ રવી મોસમ 2022-23 માટે પાણી લેવા માટેની અરજીઓ સરકારએ નિયત કરેલ ફોર્મમાં સબંધિત સેક્શન કચેરીએથી તા.31/12/2022 સુધીમાં સરકાર વર્તમાન નિયમો મુજબ સંપૂર્ણ હકીકત પૂરેપૂરી ભરીને રજૂ કરવી. કોરા અરજી પત્રકો જે તે સેક્શન ઓફિસેથી વિના મૂલ્યે ઉપલબ્ધ થશે. જે તે નહેર/ માઈનોર વોટર કોર્સ પરના લાભિત બાગાયતદારોમાંથી ઓછામાં ઓછા 50% બાગાયતદારોએ સિંચાઈનું પાણી મેળવવા અરજી કરી હશે તેવા નહેર/ માઈનોર/ વોટર કોર્સમાં જ સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. જે તે નહેર પિયત વિસ્તારમાંથી જો ખૂબ જ ઓછા વિસ્તાર માટે પાણી મેળવવા અંગેની અરજીઓ આવશે તો તેવા વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપવું નહીં તેવો નિર્ણય નહેર અધિકારીને આધિન રહેશે. જેની સિંચાઈકારોએ ખાસ નોંધ લેવી, જે તે નહેર મંડળી દ્વારા પાણી લેવા માટેની અરજી કરવામાં આવશે તેને પિયત માટે પાણી આપવા માટે પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ પિયત મંડળીની રચના કરવા ઉત્સુકતા દર્શાવશે તે માઈનોર/સબમાઈનોરને પ્રાધાન્ય અપાશે આગોતર પિયાવાની બાકી રકમ પ્રથમ ભરપાઈ કરવાની રહેશે.

સિંચાઈનું પાણી સરકાર દ્વારા ધારા ધોરણ મુજબ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. પાછલા બાકી પિયાવાની રકમ નિયમોનુસાર ભર્યાબાદ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે,તેની બાગાયતદારોએ ખાસ નોંધ લેવી. સિંચાઈ માટે ઢાળિયાને વ્યવસ્થિત રીતે રાખવાની જવાબદારી સબંધિત ખાતેદારોની છે અને તે જો પાણી લેવાના સમય સુધીમાં સાફ થયેલ ન હોય તો પાણી વહેવડાવવાનું બંધ કરી શકાય છે. પોતાના ઢાળિયામાંથી બીજા ખેડૂતોને પાણી મળે તે હેતુથી પાણી વહેવા દેવું જોઈએ તે દરેક સિંચાઈકારની પ્રાથમિક રીતે પવિત્ર ફરજ છે. આમા બિનજરૂરી હસ્તક્ષેપ કે વિક્ષેપ કરવાનો પ્રયાસ કરનાર ઈસમ સામે કાયાદાકીય કાર્યવાહી થઈ શકે છે, જેની તમામ બાગાયતદારોએ નોંધ લેવી.

વધુમાં જણાવવાનું કે, રવી મોસમ 2022-23 સિંચાઈ માટેનું પાણી તા.15/3/2023 સુધી આપવામાં આવશે,તે રીતે પાકોનું આયોજન કરવા વિનંતી છે, તેમ કાર્યપાલક ઇજનેર કડાણા, વિભાગ નંબર-1 દીવડા કોલોનીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.