દે.બારીયા એન.સી.પી. , કોંગે્રસના ગઠબંધન ઉમેદવાર ફોર્મ પરત ખેંચતા આપ અને ભાજપ વચ્ચે ટકકર

  • દાહોદ જીલ્લાની 6 વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા 35 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે.
  • દાહોદ જિલ્લામાં વિધાનસભા બેઠકો પર ફોર્મ પરત લેવાની પ્રક્રિયા પૂર્ણ : કુલ છ વિધાનસભા બેઠકો પર 35 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં.

દાહોદ,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ધીમે ધીમે અંતિમ તબક્કામાં પ્રયાણ કરી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ 6 વિધાનસભા બેઠકો પર આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ પૂર્ણ થયાં બાદ કુલ 35 ઉમેદવારો માન્ય ગણાતા હવે ચૂંટણીનો ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યો છે.

દાહોદ જિલ્લામાં ચૂંટણી દરમિયાન કુલ 64 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી ત્યારબાદ ફોર્મ ચકાસણી અને રદ કર્યા બાદ કુલ 45 ઉમેદવારો બાકી રહ્યા હતા. જોકે, આજે ફોર્મ પરત લેવાની અંતિમ તારીખ પૂર્ણ થયા બાદ દાહોદ જિલ્લાની કુલ છ વિધાનસભા બેઠકો પર કુલ 35 ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં પોતાનો નસીબ અજમાવશે. જેમાં બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બસપા,કોમ્યુનિષ્ટ પાર્ટી તેમજ અપક્ષનો સમાવેશ થાય છે.

જેમાં દાહોદ વિધાનસભા બેઠક પર 6 ઉમેદવારો, લીમખેડા વિધાનસભા બેઠક પર 5 ઉમેદવારો, ફતેપુરા બેઠક પર 7 ઉમેદવારો, ઝાલોદ બેઠક પર 6 ઉમેદવારો, દેં.બારીયા બેઠક પર 4 ઉમેદવારો, તેમજ કુલ 7 ઉમેદવારો હવે માન્ય રહેવા પામ્યા છે.

129 ફતેપુરા વિધાનસભામાંથી 7 ઉમેદવારો પૈકી ભાજપના કટારા રમેશભાઈ, કોમ્પ્યુનીટી પાર્ટી ઓફ ઈન્ડિયાના કનુભાઈ કટારા, કોંગ્રેસના મછાર રધુભાઈ, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના અલ્કેશભાઈ કટારા, ગુજરાત નવ નિર્માણ સેનાના કિશોરી રાકેશભાઈ, આમ આદમી પાર્ટીના ગોવિંદભાઈ પરમાર અને ભારતીય જન પરિષદના મછાર વિરાભાઈ ચુંટણી લડનાર છે. 130 ઝાલોદ વિધાનસભા બેઠક પરથી ભાજપના મહેશભાઈ ભુરીયા, કોંગ્રેસના મિતેશભાઈ ગરાસીયા, આમ આદમી પાર્ટીના અનિલભાઈ ગરાસીયા, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના મનસુખભાઈ કટારા, અપક્ષમાંથી મોહનભાઈ સંગાડા અને હરિચંદ્ર મહિડા ચુટણી લડનાર છે. 131 લીમખેડા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ગોદિંયા રમેશકુમાર, કોમ્પ્યુનીટી પાર્ટી ઓફ ઈન્ડિયાના નીસરતા નિલેશભાઈ, ભાજપના ભાભોર શૈલેષભાઈ, આમ આદમી પાર્ટીના બારીઆ નરેશભાઈ અને અપક્ષમાંથી લક્ષ્મણસિંહ વડકીયા ચુંટણી લડનાર છે. 132 દાહોદ વિધાનસભામાંથી ભાજપના કનૈયાલાલ કિશોરી, કોંગ્રેસના હર્ષદભાઈ નીનામા, બહુજન સમાજ પાર્ટીના મંડોડ વિનોદકુમાર, ભારતીય ટ્રાઈબલ પાર્ટીના મેડા દેવેન્દ્રભાઈ, આમ આદમી પાર્ટીના પ્રો. ર્ડા. દિનેશભાઈ મુનીયા અને અપક્ષમાંથી કિશનભાઈ પલાસ ચુંટણી લડનાર છે. 133 ગરબાડા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ચંદ્રિકાબેન બારીયા, બહુચન સમાજ પાર્ટીના ભાભોર ધુળાભાઈ દિતાભાઈ, ભાજપના ભાભોર મહેન્દ્રભાઈ, ભારતીય નેશનલ જનતા દળના જગદીશભાઈ મેડા, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ભાભોર રમસુભાઈ, આમ આદમી પાર્ટીના શૈલેષભાઈ ભાભોર અને અપક્ષમાંથી બામણ્યા કેતનકુમાર ચુંટણી લડનાર છે. 134 દેવગઢ બારીઆ વિધાનસભા બેઠક પરથી ભાજપના ખાબડ બચુભાઈ, પ્રજા વિજય પક્ષના ચૌહાણ સામતસિંહ, આમ આદમી પાર્ટીના વાખળા ભારતસિંહ અને અપક્ષ માંથી પટેલ ભીમસીંગભાઈ ચુંટણી લડનાર છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ગોપસિંહ લવારે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતાં દેવગઢ બારીઆ વિધાનસભા બેઠક તેમજ જિલ્લાના રાજકારણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. દેવગઢ બારીઆ વિધાનસભા બેઠકમાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ ખેલાશે જોકે 21 લાખની વસ્તી ધરાવતા દાહોદ જિલ્લામાં કુલ 15 લાખ ઉપરાંત મતદારો છે જેમાં યુવા અને મહિલા મતદારો નિર્ણાયક ભૂમિકા છે. ત્યારે 2.50 લાખ ઉપરાંત મતદારો ગુજરાત તરફ હિજરત કરી ગયા છે. જોકે, આ તમામ સમીકરણોની વચ્ચે દાહોદ જિલ્લાની કુલ છ વિધાનસભા બેઠકો પર આગામી પાંચમી ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાનમાં કુલ 35 ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીનમાં કેદ થશે અને આઠમી ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યા બાદ દાહોદ જિલ્લાનો સીનેરીયો બહાર આવશે તેમાં કોઈ બેમત નથી.