દાહોદમાં ધાનપુર તાલુકાની 2 પ્રાથમિક શાળા તેમજ 1 સરકારી માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

  • કલેકટર યોગેશ નિરગુડેના વરદ હસ્તે શૈક્ષણિક કીટ આપી નાનકડાં ભુલકાંઓને શાળા પ્રવેશ કરાવાયો.

ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- 2024 અંતર્ગત દાહોદ જીલ્લાના ધામપુર તાલુકામાં ભાણપુર પ્રાથમિક શાળા, કાંસેટા પ્રાથમિક શાળા તેમજ સરકારી માધ્યમિક શાળા ખાતે કલેકટર યોગેશ નિરગુડેની પ્રેરક ઉપસ્થિતિમાં ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

શાળા પ્રવેશોત્સવ નિમિતે કલેક્ટર યોગેશ નિરગુડેનું પરંપરાગત ઢોલ વગાડીને તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફૂલો વરસાવીને અને કુમકુમ ચોખાનો ચાંદલો કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રાસંગિક પ્રવચન દરમ્યાન કલેક્ટર યોગેશ નિરગુડેએ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શિક્ષણ અંગેની મહત્વતા દર્શાવી તમામ બાળકો નિયમિતપણે શાળાએ જાય એની જવાબદારી વાલીઓની એમ જણાવી શૈક્ષણિક કીટ આપી આંગણવાડી, બાળ વાટિકા તેમજ ધોરણ 1ના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતે કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણીનો શુભ સંદેશો આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ નિમિતે લાયઝન અધિકારી, શાળા સ્ટાફ, ગ્રામજનો , વાલીઓ, આંગણવાડી બહેનો, ગામના સરપંચ તેમજ શાળામાં પ્રથમ પગલી માંડનાર નાનકડાં ભૂલકાઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.