- લગ્નના 12 વર્ષ બાદ દંપતીનું લગ્નજીવન તુટવાના આરે હતું,ત્રણ બાળકોનું ભવિષ્ય અંધકારમય ના બની રહે તે માટે લોક અદાલત થકી સુખદ સમાધાન.
ગોધરા, નામદાર ગુજારાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ સુનિતા અગ્રવાલ દ્વારા તા.19 એપ્રિલથી સમગ્ર ગુજરાત રાજયમાં વૈવાહીક વિવાદોના ત્વરીત ખર્ચ રહીત નિવારણ માટે પ્રિ-લીટીગેશન લોક અદાલતની રાજ્યના જીલ્લા મથક ખાતે શરૂઆત કરવામાં આવી હતી.
જે અંતર્ગત પંચમહાલ જીલ્લાના ગોધરા સ્થિત ડીએલએસએના ચેરમેન સી.કે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પ્રિ-લીટીગેશન લોક અદાલતની ગોધરા ખાતે શરૂઆત કરવામાં આવી છે. વર્તમાન સમયમાં દંપતીને સામાન્ય તકરારોમાં તકલીફ પડે તો પણ એકબીજાથી છુટા થઈ જવાની ઉતાવળ હોય છે. આ પરિસ્થિતિમાં દંપતીને યોગ્ય અને કાયદાકીય રીતે ન્યાયાધીશ તથા ટ્રેઈન્ડ મીડીએટર ધ્વારા સમજાવવામાં આવે તો તુટવાના આરે આવી ગયેલ સંબંધો પણ ફરીથી નવપલ્લીત થતા હોય છે.
આવો જ એક કેસ પંચમહાલના ગોધરા ડી.એલ.એસ.એ.સમક્ષ આવતા તેને ત્વરીત પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં મુકવામાં આવ્યો હતો. જે કેસની વિગતમાં એક દંપતીને હાલ 12 વર્ષના લગ્ન બાદ ત્રણ સંતાનો છે.લગ્ન બાદ માંદગીના કારણસર પતિ ધ્વારા પત્નિને ત્રાસ આપી,અને મારકુટ કરવામાં આવતી હતી. જેથી તેના લગ્નના બાર વર્ષ બાદ તેનું લગ્નજીવન તુટવાના આરે હતું અને તેના ત્રણ બાળકોનું ભવિષ્ય પણ અંધકારમય થવાના આરે હતું. આથી આ કેસ પ્રિ-લીટીગેશન લોક અદાલત (વૈવાહીક તકરાર) અંગેની બેંચ ધ્વારા બંન્ને પક્ષકારોને નોટીસ કરી લોક અદાલતની બેંચ સમક્ષ બોલાવવામાં આવ્યા હતા જેમાં મેમ્બર તરીકે સેવા આપતા પ્રિન્સીપાલ જજ એમ.એમ.મન્સુરી ફેમીલી કોર્ટ તથા મીડીએટર તરીકે વૈદેહી પી.દાણી દ્વારા દંપતીને વારા ફરતી સાંભળી અને બન્ને વચ્ચેના ઝઘડાની તેમના નાના બાળકો પર ગંભીર અસર પડી શકે તેમ હોય, તેવું બન્ને દંપતીને સમજાવતા દંપતીઓ રાજીખુશીથી સાથે રહેવા માટે તૈયાર થઈ ગયા હતા. આમ, સમજાવટના માધ્યમથી પતિ-પત્નિ અને બાળકો એક છત નીચે જીવવા હસતા હસતા વિદાય થયા હતા.
પ્રિ-લીટીગેશન લોક અદાલત થકી પક્ષકારોને તકરાર અંગે કાનુની કાર્યવાહી કરતા પહેલા શાંતિપૂર્ણ અને અસરકારક નિરાકરણની સુવિધા આપવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ગોપનીયતા અને ગુપ્તતા જાળવવામાં આવે છે. કોઈપણ પક્ષકારની સંવેદનશીલ માહીતી જાહેરમાં પ્રસિધ્ધ કરવા દબાણ કરવામાં આવતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે,પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, અભયમ મહીલા હેલ્પલાઈન નંબર-181, સખી વન સ્ટોપ સેન્ટર, મહીલા પોલીસ સ્ટેશનને પણ ખાસ કહેવામાં આવ્યું છે, કે વૈવાહીક સંબધોને લગતી તકરારોમાં ગુન્હો નોંધતા પહેલા અરજી પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં મોકલવામાં આવે જેથી પક્ષકારો વચ્ચે કાયદાકીય રાહે સમાધાનથી પ્રકીયા હાથ ધરી શકાય તેમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.