નીટ કૌભાંડની તપાસ કરી સીબીઆઈ દ્વારા 4 આરોપીઓના રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાયા

  • 4 દિવસના રીમાન્ડ અરજી ઉપર કોર્ટમાં શનિવારે સુનાવણી કરાશે.

પંચમહાલ ગોધરાની જય જલારામ સ્કુલમાં નીટ ચોરીના કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઇ દ્વારા નીટ ચોરીના ષડયંત્રની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓ, સાક્ષીઓના તેમજ જય જલારામ સ્કુલના માલિકના નિવેદનો નોંધાવામાંં આવ્યા છે. ત્યારે નીટ ચોરીના ષડયંત્રમાં ઝડપાયેલ આરોપીઓ પૈકી 4 આરોપીઓના રીમાન્ડ મેળવવા માટે સીબીઆઈ દ્વારા કોર્ટમાં રજુ કરવામાંં આવ્યા હતા. જેની વધુ સુનાવણી શનિવારના રોજ કરાશે.

ગોધરા નીટ પરીક્ષા ચોરીના ષડયંત્રની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઈ દ્વારા સોમવારના રોજ ગોધરા સર્કીટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા કરાયેલ નીટ પરીક્ષા ચોરીને લગતી ફાઈલો અને 1000 પાનના ડોકયુમેન્ટ મેળવ્યા હતા અને સીબીઆઈ દ્વારા એક દિવસ ડોકયુમેન્ટના અભ્યાસ કર્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં નીટ પરીક્ષા ચોરીમાં પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલ 16 વિદ્યાર્થીઓના લીસ્ટ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની સીબીઆઈ દ્વારા નિવેદન નોંધાવામાં આવ્યા. નીટ પરીક્ષા ચોરીના કૌભાંડમાં સાક્ષીઓના પણ સીબીઆઈ દ્વારા નિવેદન લેવામાં આવ્યા હતા. જય જલારામ સ્કુલના માલિકના ગુરૂવારના મોડી રાત સુધી નિવેદન નોંધાવામાં આવ્યા હતા. હવે સીબીઆઈ દ્વારા નીટ પરીક્ષા ચોરીમાં ઝડપાયેલ આરોપી આરીફ વોરા, તુષાર ભટ્ટ, વિભોર આનંદ, પરષોત્તમ શર્માના 4 દિવસના રીમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજુ કરી માંંગ કરાઈ હતી. સીબીઆઈ દ્વારા 4 આરોપીઓની રીમાન્ડ અરજી ઉપર વધુ સુનાવણી શનિવારના હાથ ધરવામાં આવશે.