કર્ણાટકના હાવેરી જિલ્લાના બ્યાડગી તાલુકામાં શુક્રવારે વહેલી સવારે પાર્ક કરેલી ટ્રક સાથે વાન અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પીડિતો શિવમોગ્ગાના રહેવાસી હતા અને બેલાગવી જિલ્લાના સાવદત્તીથી દેવી યલ્લમ્માના દર્શન કરીને તીર્થયાત્રા કરીને પરત ફરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે બસ ડ્રાઈવર ઊંઘી ગયો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો.
બ્યાડગી તાલુકાના ગુંદેનહલ્લી ક્રોસ ખાતે શુક્રવારે સવારે વાન અને લારી વચ્ચેની અથડામણમાં ૧૩ લોકોના મોત થયા હતા, પોલીસે જણાવ્યું હતું. આ દરમિયાન અન્ય ચાર ઘાયલ થયા હતા. આ અકસ્માત સવારે ૩.૪૫ કલાકે થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વાન રસ્તાની બાજુમાં પાર્ક કરેલી લારી સાથે અથડાઈ હતી. હાવેરી જિલ્લાના બ્યાડગી ખાતે નેશનલ હાઈવે ૪૮ પર લારી પાર્ક કરવામાં આવી હતી. વાનમાં કુલ ૧૭ લોકો મુસાફરી કરી રહ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આમાંથી ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ચાર ઘાયલોમાંથી બે હોસ્પિટલના આઇસીયુમાં દાખલ છે.
હાવેરીના પોલીસ અધિક્ષક અંશુ કુમાર શ્રીવાસ્તવે પીટીઆઈને જણાવ્યું કે પીડિતો ચિંચોલી માયમ્મા દેવસ્થાનથી શિવમોગ્ગા જિલ્લામાં તેમના વતન ગામ યેમેહટ્ટી જઈ રહ્યા હતા. ટ્રક હાઇવેની સાઈડમાં ઉભી હતી. ટેમ્પો ટ્રાવેલરે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. મૃતદેહોને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. ઘાયલોને હાવેરીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ ધટના અંગે વિવિધ રાજકીય નેતાઓએ ઉડા શોકની લાગણી વ્યકત કરી છે.