રાષ્ટ્રપતિના ભાષણમાં લઘુમતીઓ પર એક પણ શબ્દ નથી, દેશમાં સૌથી વધુ બેરોજગાર,ઓવૈસી

એઆઇએમઆઇએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન પર સવાલ ઉઠાવીને ભાજપ પર નિશાન સાયું છે. ઓવૈસીએ કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધનમાં ક્યાંય પણ લઘુમતી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઓવૈસીએ દેશના બેરોજગાર યુવાનોની સ્થિતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

ઓવૈસીએ કહ્યું, ’ભાજપ હજુ પણ વિચારી રહ્યું છે કે તે ૨૦૧૯ના પરિણામોમાં છે. આ સમગ્ર રાષ્ટ્રપતિના ભાષણમાં ક્યાંય લઘુમતી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આખરે શા માટે?…આટલી બધી નફરત શા માટે છે? દેશમાં સૌથી વધુ સંખ્યામાં બેરોજગાર યુવાનો છે, તેમના વિશે માત્ર વાતો કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે સંસદ, લોક્સભા અને રાજ્યસભાના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા ૫૦ વર્ષ પહેલા દેશમાં લાદવામાં આવેલી ઈમરજન્સીનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું છે કે હવે ૫૦ વર્ષ જૂના મુદ્દા પર ચર્ચા કરવાનો શું ફાયદો. તે જ સમયે, ભાજપ અને તેના સહયોગીઓએ કટોકટી અંગે ચર્ચા કરવી જરૂરી ગણાવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોની બેઠકને સંબોધિત કરતા કહ્યું, ’આજે ૨૭મી જૂન છે. ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ લાદવામાં આવેલી કટોકટી એ બંધારણ પર સીધા હુમલાનો સૌથી મોટો અને કાળો પ્રકરણ હતો. ત્યારબાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. પરંતુ, દેશે આવી ગેરબંધારણીય શક્તિઓ પર વિજય દર્શાવ્યો કારણ કે ભારતના મૂળમાં પ્રજાસત્તાકની પરંપરાઓ રહેલી છે. મારી સરકાર પણ ભારતના બંધારણને માત્ર શાસનનું એક માયમ માનતી નથી, બલ્કે અમે એ સુનિશ્ર્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આપણું બંધારણ જનચેતનાનો એક ભાગ બને. હવે બંધારણ ભારતના તે ભાગમાં, આપણા જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ રીતે લાગુ થઈ ગયું છે, જ્યાં કલમ ૩૭૦ને કારણે પરિસ્થિતિઓ અલગ હતી.

જ્યારે રાષ્ટ્રપતિએ ૧૯૭૫માં લાદવામાં આવેલી ઈમરજન્સીનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું ત્યારે કૉંગ્રેસના સાંસદોએ સંયુક્ત બેઠકમાં જ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. બાદમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું કે ઘણા મુદ્દા ઉઠાવવા અને ચર્ચા કરવી જોઈએ. પરંતુ, જ્યાં સુધી ઈમરજન્સીની વાત છે, તે ૫૦ વર્ષ જૂનો મુદ્દો છે, હવે તેના વિશે ચર્ચા કરવાનો કે બોલવાનો શું ફાયદો. તેના બદલે આજે બેરોજગારી અને લોકોની અન્ય સમસ્યાઓ અંગે ચર્ચા કરવાની જરૂર છે.

કોંગ્રેસના નિવેદનનો વિરોધ કરતા ભાજપના સાંસદ અરુણ ગોવિલે કહ્યું કે આ જૂનો મુદ્દો કેમ ન ઉઠાવવો જોઈએ. કટોકટી એક એવો ડાઘ છે જે ક્યારેય ભૂંસી શકાતો નથી. કોંગ્રેસ આજે બંધારણની વાત કરે છે. કોંગ્રેસે ઈમરજન્સી લાદીને એ જ બંધારણને બગાડ્યું હતું અને આ માટે તેમણે માફી માંગવી જોઈએ.