બિરલાએ ઈમરજન્સી અંગેનો પ્રસ્તાવ વાંચ્યો તો રાહુલ નારાજ થયા

૧૮મી લોક્સભાના સ્પીકર તરીકે ચૂંટાયા બાદ ઓમ બિરલાએ ગૃહમાં એક ઠરાવ વાંચ્યો હતો, જેમાં તેમણે ૧૯૭૫માં કોંગ્રેસ સરકાર દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સીની નિંદા કરી હતી. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સાંસદોએ આ દરમિયાન હંગામો કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. તે જ સમયે, આજે એટલે કે ગુરુવારે, લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકરને મળ્યા અને કટોકટી પર વાંચવામાં આવેલા ઠરાવ પર તેમની નારાજગી વ્યક્ત કરી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી, એસપા નેતા ધર્મેન્દ્ર યાદવ, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ નીટ અને ક્રિમિનલ લોને લઈને સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. આ એક સૌજન્ય મુલાકાત હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કટોકટી પર સ્પીકર દ્વારા વાંચવામાં આવેલા પ્રસ્તાવ પર નારાજગી વ્યક્ત કરી હતી. રાહુલે કહ્યું કે ખુરશી પરથી આવું ન થવું જોઈતું હતું.

ઈમરજન્સી પરનો ઠરાવ વાંચતી વખતે ઓમ બિરલાએ કહ્યું કે, હવે આપણે બધા એ નાગરિકોની યાદમાં મૌન પાળીએ છીએ જેમણે ઈમરજન્સી દરમિયાન સરમુખત્યાર કોંગ્રેસ સરકારના હાથે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ પછી શાસક પક્ષના સભ્યોએ થોડો સમય મૌન પાળ્યું હતું, જો કે આ દરમિયાન વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર અને અટકાવવાનું ચાલુ રાખ્યું હતું.

ઓમ બિરલાએ કહ્યું, આ ગૃહ ૧૯૭૫માં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે. આ સાથે, અમે એ તમામ લોકોના નિશ્ર્ચયની પ્રશંસા કરીએ છીએ જેમણે ઇમરજન્સીનો વિરોધ કર્યો હતો અને ભારતના લોક્તંત્રની સુરક્ષાની જવાબદારી ઉઠાવી હતી.

ઓમ બિરલાએ દાવો કર્યો હતો કે ઈન્દિરા ગાંધી દ્વારા સરમુખત્યારશાહી લાદવામાં આવી હતી, લોક્તાંત્રિક મૂલ્યોને કચડી નાખવામાં આવ્યા હતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ગળું દબાવવામાં આવ્યું હતું. ઓમ બિરલાએ દાવો કર્યો હતો કે ઈમરજન્સી દરમિયાન નાગરિકોના અધિકારોનો નાશ કરવામાં આવ્યો હતો.

ઓમ બિરલાએ કહ્યું કે કટોકટી તેની સાથે ભયંકર અસામાજિક અને સરમુખત્યારશાહી નીતિઓ લઈને આવી જેણે ગરીબો, દલિતો અને વંચિતોનું જીવન બરબાદ કરી નાખ્યું. તેમણે દાવો કર્યો હતો કે, કટોકટી દરમિયાન, લોકોને કોંગ્રેસ સરકાર દ્વારા લાગુ કરાયેલ ફરજિયાત નસબંધી, શહેરોમાં અતિક્રમણ દૂર કરવાના નામે મનસ્વીતા અને સરકારની ખરાબ નીતિઓનો ભોગ બનવું પડ્યું હતું. આ ગૃહ તે તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગે છે.