પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પોસ્ટ: ગમે તેટલા અત્યાચાર કરો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઝૂકશે નહીં

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુરુવારે કહ્યું કે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર ગમે તેટલો અત્યાચાર કરવામાં આવે, તેઓ ઝૂકશે નહીં. માનનું નિવેદન કથિત દારૂ નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાનની ધરપકડ કરવામાં આવ્યાના એક દિવસ પછી આવ્યું છે.

પંજાબના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર એક પોસ્ટમાં કેજરીવાલની તસવીર પણ શેર કરી છે. તેમણે લખ્યું, આ તસવીર સરમુખત્યારશાહી સામેના સંઘર્ષની છે. અરવિંદ કેજરીવાલ ઝૂકશે નહીં. ગમે તેટલા અત્યાચાર કરો. ઈડી કોર્ટમાંથી જામીન મળ્યા બાદ સીબીઆઇની ધરપકડ એ ભાજપના ઈશારે સીબીઆઇનો બેફામ દુરુપયોગ છે. જે રીતે તમે શિષ્ટાચારની રાજનીતિ ભૂલી ગયા છો, તમારું નામ પણ અત્યાચારી તરીકે લખવામાં આવશે.

બુધવારે કેજરીવાલની ધરપકડ કરવામાં આવ્યા બાદ, દિલ્હીની એક અદાલતે તપાસ એજન્સી દ્વારા દાખલ કરાયેલી અરજી પર દલીલો સાંભળ્યા પછી, તેમને ત્રણ દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દીધા. સુનાવણી દરમિયાન આપ નેતાએ પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ઈશારે કેન્દ્રીય તપાસ એજન્સીઓ પક્ષના નેતાઓ વિરુદ્ધ દુશ્મનાવટ અને રાજકીય દ્વેષની ભાવના સાથે કામ કરી રહી છે.

ઈડી બાદ હવે સીબીઆઇ દ્વારા અરવિંદ કેજરીવાલને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જામીન મળ્યા બાદ દિલ્હીના સીએમની ફરી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેમની પત્ની સુનીતા કેજરીવાલ ગુસ્સે થઈ ગયા. તેમણે કેજરીવાલની ધરપકડને સરમુખત્યારશાહી ગણાવી હતી. સુનીતા કેજરીવાલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું પરંતુ હવે પ્રાર્થના થશે કે સરમુખત્યારનો નાશ થવો જોઈએ.