મને બોલ્ડ સીન કરવામાં કોઈ વાંધો નથી પરંતુ તે સૌંદર્યની દ્રષ્ટીએ આકર્ષક હોય,શુભાંગી

ટીવી પર અંગૂરી ભાભી બનીને લોકોને હસાવનાર શુભાંગી એક સારી અભિનેત્રી ઉપરાંત એક સિંગલ મધર પણ છે. શુભાંગીને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. આથી માં બન્યા બાદ તેણે એક્ટિંગમાં જંપલાવ્યું. ત્યારથી લઈને આજ સુધી તેણે લાંબી ઇનિંગ રમી તેવું કહી શકાય. લગભગ દોઢ દાયકા પહેલા તે ’ક્સૌટી ઝિંદગી કે’માં જોવા મળી હતી અને ત્યાર બાદ તેણે ’કસ્તુરી’, ’હવન’, ’ચીડિયા ઘર’ જેવી ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે. હવે શુભાંગી ઓટીટી પર પણ કામ કરવા ઈચ્છે છે.

શુભાંગીએ કહ્યું કે, ’હું ઓટીટી પર કંઈક એવું કરવા માંગુ છું, જે મેં આજ સુધી નથી કર્યું. એવું પાત્ર જે વૈવિયસભર હોય અને દર્શકોને પણ ચોંકાવી દે.’ જયારે શુભાંગીને ઓટીટી પર બોલ્ડનેસ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેત્રીએ હસીને જવાબ આપ્યો કે, ’મને બોલ્ડ સીન કરવામાં કોઈ વાંધો નથી પરંતુ તે સૌંદર્યની દ્રષ્ટીએ આકર્ષક હોય. હું નથી ઈચ્છતી કે તે ખરાબ કે અશ્લીલ દેખાય. હું બોલ્ડ સીન માટે તૈયાર છું પણ તે સારું અને સ્ક્રિપ્ટની માંગને અનુરૂપ હોવું જોઈએ. જો તેને શાનદાર અને કલાત્મક રીતે શૂટ કરવામાં આવે, તો મને કોઈ તકલીફ નથી.’

શુભાંગીનું માનવું છે કે, ’ઓટીટી સમાજને જે અભિગમ બતાવે છે તે અન્ય કોઈ પ્લેટફોર્મ બતાવતું નથી. કેટલીકવાર, આપણે દર્શકો સમક્ષ એક નવો અભિગમ રજૂ કરવાની જરૂર હોય છે, જે તેમને જીવનની વાસ્તવિક્તા બતાવે. મેં એવી કોઈ વેબ સિરીઝમાં ક્યારેય જોયું નથી જ્યાં કોઈ ગંભીર ખોટું કામ કરે અને પછી તેને સુધારી લેવામાં આવે છે. ઓટીટીની ઓડિયન્સ શહેરી છે અને તેઓ આ કન્ટેન્ટ સાથે રીલેટ કરી શકે છે.’ વધુમાં અભિનેત્રીએ કહ્યું કે, ’હું પોતે આવી સ્ટોરી સાથે રીલેટ કરી શકું છું. પણ મારું માનવું છે કે આ કન્ટેન્ટમાં ફિલ્ટરિંગ હોવું જોઈએ, કારણકે મોટાભાગનું કન્ટેન્ટ આદર્શ નથી.