ગીરગઢડામાં ગેરકાયદેસર બાંધકામ હટાવાયા, કેટલાક લોકોએ તો સ્વેચ્છાએ બાંધકામ દૂર કર્યા

ગીરગઢડામાં મામલતદાર કચેરી સાર્વજનિક માર્ગની આસપાસની સરકારી જમીન પર થયેલ અતિક્રમણ દૂર કરવા માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા જાતે જઈને અતિક્રમણકારોને મળ્યા હતા અને સ્થાનિક અધિકારીઓની હાજરીમાં જાહેરમાં અતિક્રમણ કરનારાઓને સૂચના આપી ૨૪ કલાકમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા સૂચના આપી હતી. સ્થાનિક અધિકારીઓને ૨૪ કલાકમાં ગેરકાયદેસર અતિક્રમણ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ગત રાત્રીના અનેક કબજેદારોએ પોતાનો માલસામાન હટાવી છત અને પાઈપો કાઢી નાખ્યા હતા અને આજે સવારથી ગીરગઢડા પેટ્રોલપંપ, બ્લોક કરાયેલ રોડ અને મામલતદાર કચેરીની આસપાસની સરકારી જમીન પર બનેલી ૨૦૦ જેટલી દુકાનો પાસેથી ગેરકાયદેસર દબાણ કરીને મેળવેલા વીજ મીટરો કાપી નાખ્યા હતા. ઇલેક્ટ્રિશિયનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી. ગ્રામ પંચાયતના વહીવટી તંત્રએ નોટીસ આપી સ્વેચ્છાએ દબાણો દૂર કરવા સૂચના આપી હતી. સવારથી જ સ્વૈચ્છિક દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને દબાણ કરનારાઓ પોતાનો સામાન હટાવી રહ્યા છે.

વહીવટદાર, મામલતદાર માર્ગ બાંધકામ વિભાગ તાલુકા વિકાસ અધિકારીની સાથે સાથે પોલીસનો મોટો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા અને આરએમબીના નિયમો અનુસાર નેશનલ હાઈવે પરના દબાણો દૂર કરવા નિયમોનુસાર પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં શાંતિપૂર્ણ રીતે દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં આવી રહ્યા છે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જેસીબી દ્વારા કરાયેલી બંદોબસ્તના કારણે સમસ્યાનો અંત આવ્યો છે. સરકારી જમીન પર આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે દુકાનો બાંધવામાં આવી ત્યાં સુધી પંચાયત સતાધિશો અને મામલતદાર કચેરીના અધિકારીઓ શું કરતા હતા. આ દુકાનોને વીજ જોડાણ કેવી રીતે અપાયું, કોણે દુકાનો ભાડે લીધી અને ભાડું વસૂલ્યું? આવા અનેક સવાલો ઉભા થયા છે.

ગીરગઢડા ગામે ગૌચરની જમીનમાં દબાણ કરીને ૩૦ જેટલી દુકાનો બનતી હતી એ વખતે વિવાદ સર્જાયો હતો અને પક્ષી ઘર નામે તોડ પાણી કરાયો હતો પરંતુ આ ગૌચરની જમીન હોવાનું ફલીત થતાં પ્રમાણિક અધિકારી દ્વારા જિલ્લા કક્ષાએથી આ પ્રકરણ ગેરકાનૂની રીતે બાંધકામ કરીને દબાણ કરાયાનું જાહેર કરીને આદેશ આપ્યો હતો. જેથી દુકાન ખરીદનારા લોકોને માથે હાથ દઇને રડવાનો સમય આવ્યો છે!