સોના અને ચાંદી પર સતત દબાણ જોવા મળી રહ્યું છે. આ અઠવાડિયે કિંમતી ધાતુના ભાવમાં સતત કડાકો જોવા મળે છે. રિકોર્ડ હાઈથી મેટલ્સમાં મોટો ઘટાડો થઈ ચૂક્યો છે. ગ્લોબલ બજારોમાં સોનું બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યું. ભારતીય વાયદા બજારમાં પણ રેકોર્ડ હાઈથી લગભગ ૪૦૦૦ રૂપિયા ગગડ્યા બાદ સોનાના ભાવ સતત દબાણમાં છે.
વાયદા બજારમાં ગુરુવારે ૨૭ જૂનના રોજ સોનું ૧૦૮ રૂપિયાના ઘટાડા સાથે ૭૦,૯૮૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ જોવા મળ્યું. ગઈ કાલે સોનું ૭૧,૦૮૯ રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીનો ભાવ ૩૮૫ રૂપિયાના ઘટાડા સાથે ૮૬૫૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ જોવા મળ્યો. કાલે ચાંદી ૮૬,૯૬૫ના સ્તરે ક્લોઝ થઈ હતી.
જો રેકોર્ડ હાઈની વાત કરીએ તો મેમાં સોનું ૭૪,૬૦૦ ઉપર ગયું હતું. ત્યાંથી લગભગ ૪૦૦૦ રૂપિયા જેટલું ગગડી ચૂક્યું છે. જ્યારે ચાંદીએ ૯૬,૬૦૦ ના લેવલને ટચ કર્યું હતું. ત્યાંથી લગભગ ૧૦,૦૦૦ રૂપિયા સુધી ઘટી ચૂક્યા છે. ચીન તરફથી સોનાની ખરીદી પર રોક અને માંગણીમાં ઘટાડાથી સોના પર દબાણ બનેલું છે.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ મુજબ ૯૯૯ પ્યોરિટીવાળા ૧૦ ગ્રામ સોનામાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે. આજે ઓપનિંગ રેટમાં ૧૮૪ રૂપિયા ઘટીને ભાવ ૭૧,૦૮૩ રૂપિયાના સ્તરે ભાવ પહોંચી ગયો. ગઈ કાલે સોનું ૭૧,૨૬૭ રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ૯૧૬ પ્યોરિટીવાળું ગોલ્ડ આજે ઓપનિંગ રેટમાં ૧૬૯ રૂપિયા ગગડ્યું અને ૬૫,૧૧૨ રૂપિયા પર પહોંચ્યું. કાલે ૬૫,૨૮૧ રૂપિયા પર ક્લોઝ થયું હતું.
ચાંદીમાં પણ મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. આજે ઓપનિંગ રેટમાં ભાવ ૧૮૩ રૂપિયા ગગડીને પ્રતિ કિલો ૮૬,૭૬૧ રૂપિયા પર પહોંચી ગયા. કાલે ચાંદી ૮૬,૯૪૪ રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ડોલરમાં મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં તેજીના પગલે કાલે ૧ ટકા ગગડ્યું હતું. આ અઠવાડિયે અમેરિકાના મોંઘવારીના આંકડા આવવાના છે, જેના પર રોકાણકારોની નજર છે. સ્પોટ ગોલ્ડ ૦.૮ ટકા ગગડીને ૨,૩૦૧ ડોલર પર પહોંચ્યું. ૧૦ જૂન બાદ આ સૌથી નીચલું સ્તર છે. યુએસ ગોલ્ડ ફ્યૂચરમાં ૦.૮ ટકાનો ઘટાડો આવ્યો અને તે ૨,૩૧૩ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યુ.
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. આઇબીજેએ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.