ગીરસોમનાથ જિલ્લામાં માં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે અને તેમનુ હેત વરસાવી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી જિલ્લાના અનેક તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમા ધામલેજ, રાખેજ, કણજોતર, સિંગસરમાં વરસાદ પડી રહ્યો છે. દરિયાકાંઠઆના ગામોમાં વરસાદ શરૂ થતા ગામલોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તરફ તાલાલા અને વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો છે. વેરાવળના માથાસુરીયા, લુંભા અનો કોડીધ્રા ગામે વરસાદ પડ્યો છે આંબળાસ ગામના રસ્તાઓ પાણી પાણી થયા છે. માથાસુરિયા ગામે વોકળામાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો છે.
ઉના તાલુકામાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. કાચા સોના સમાન વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગત રોજ ઉના અને ગીર ગઢડા તાલુકામાં ચોમાસાની સીઝનનો અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો. ૪ થી ૫ ઈંચ સારો વરસાદ પડે તો વાવણી થઈ શકશે તેવુ ખેડૂતોનુ કહેવુ છે. ત્યારે ગઈકાલ રાતથી શરૂ થયેલા વરસાદને પગલે ખેડૂતોને વાવણીની આશા બંધાઈ છે.