ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે, કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. આ બધાની વચ્ચે લોકોને વીજ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ સમાચાર કચ્છ ભૂજથી મળ્યા છે જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ વીજ કચેરીનો ઘેરાવ કરીને વીજ કાપને લઇને હલ્લાબોલ કર્યા છે, છેલ્લા ચાર દિવસથી શહેરમાં વીજળી ગૂલ થયાની ઘટનાઓ બની રહી છે જેને લઇને શહેરીજનો આક્રોશમાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, કચ્છ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વીજ ધાંધિયા શરૂ થઇ ગયા છે. કચ્છમાં મહિલાઓએ હાલમાં વીજ કાપને લઇને મોટો હંગામો મચાવ્યો છે. કચ્છમાં વીજ ધાંધિયાથી ત્રસ્ત મોટી સંખ્યામાં મહિલાઓનો પીજીવીસીએલ કચેરીએ પહોંચી હતી, અને ત્યાં જઇને મુખ્ય ઓફિસમાં જોરદાર વિરોધ સાથે હલ્લાબોલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભૂજના મોટાભાગના વિસ્તારમાં ગયા મંગળવારની રાતથી વીજળી નથી, આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાના સમાચારો પણ છે. શહેરમાં મુન્દ્રા રૉડ, ભક્તિ પાર્ક, સ્વામિનારાયણ નગર, માધાપરમાં મોટા પાયે વીજ વિક્ષેપ થઇ રહ્યો છે. હાલમાં અડધા ભૂજ શહેરમાં વીજ ધાંધિયાથી ત્રસ્ત થયેલા લોકો વિફર્યા છે. વીજ ધાંધિયાને લઇને લોકોએ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, જોકે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની વાત સાંભળવા તૈયાર નથી, હાલમાં તેઓ ફોન પણ રિસીવ નથી કરી રહ્યાં.