કાલોલ મામલતદાર કચેરીમાં સર્વર ડાઉનને લઈ અરજદારોના આંટાફેરા

કાલોલ મામલતદાર કચેરી ખાતે અઠવાડિયાથી રોજ સર્વર ડાઉન હોવાનુ જણાવીને અરજદારોને એક નકલ મેળવવા માટે ધરમધકકા ખાતા હોવાની લોકબુમો ઉઠવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્ર ખાતે જમીન, આવકવેરા કે સ્ટેમ્પ સંબંધિત નકલો કે દાખલો મેળવવા હાલાકીઓ વેઠવાની નોબત આવી છે. ખાસ કરીને પાછલા ચાર દિવસથી જન સેવા કેન્દ્રના કર્મચારીઓ સર્વર ડાઉન ચાલે છે, બંધ છે કહીને અરજદારોને કલાકો સુધી કતારોમાં ઉભા રહેવુ પડે છે. રાહ જોઈને બેસવુ પડે છે. અને આખા દિવસનો પણ સમય વેડફવો પડે છે. તદ્ઉપરાંત દિવસભર સર્વર નહિ મળતા બીજા દિવસે પણ આવવા મજબુર થવુ પડે છે. આમ એક નકલ મેળવવા માટે અરજદારોને ધરમ ધકકા ખાવા પડતા હોવાની લોકબુમો ઉઠવા પામી છે. જે અંગે જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરી સમસ્યાઓનુ નિવારણ લાવવાની લોકમાંગ ઉઠવા પામી છે.