કડાણા ડેમ વિભાગ દ્વારા સમયાંતરે ડેમની સુરક્ષાને ઘ્યાનમાં લઈ મરામત કામગીરી હાથ ધરવામાં આવે છે. વર્ષ-2020માં ડેમની નીચાણવાળા ભાગમાં પડેલ ઉંડો ખાડો પુરવામાં 17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે કામગીરી માત્ર બે દિવસમાં પડેલ પ્રથમ વરસાદ બાદ ડેમના ગેટ ખુલ્લા મુકવામાં આવતા આ કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચારના પોપડા જિલ્લાના હાડોડ પુલ પર જોવા મળ્યા હતા. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા આ ભ્રષ્ટાચાર છુપાવવા છેલ્લા ચાર વર્ષથી આ ભાગના નીચાણ વિસ્તારને સતત પાણીથી ભરેલ રાખી ખાડો ઢાંકી રાખવામાં આવ્યો હતો. જેને આ વર્ષે પુન: 23 કરોડના ખર્ચે ભરવાની કામગીરી હાથ ચાલી રહી છે.
કડાણા ડેમના અસ્તિત્વને જોખમમાં મુકી પાછલા ચાર વર્ષથી ઢાંકી રાખ્યા બાદ ચાલુ વર્ષે ડેમ નિચાણ વિસ્તારમાં પુન: બકેટ ભાગની કામગીરી છેલ્લા ત્રણ માસથી ચાલી રહી છે. ત્યારે ચોમાસાની શરૂઆત થતાં પહેલા આ કામગીરી પુર્ણ કરવાની ઉતાવળમાં આ કામગીરી પણ માપદંડ અને ગુણવત્તા વગર થઈ રહી હોવાનુ જોવા મળી રહ્યુ છે.બકેટ ભાગમાં સતત લીકેજનુ પાણી આવી રહ્યુ છે. જે આ ભાગમાં પડેલ ખાડામાં ભરાયેલ પાણીને બહાર કાઢીને આરસીસી કરવાનુ હોય છે. છેલ્લા ત્રણ માસથી અહિંયા પંપો મુકી ખાડામાંથી પાણી કાઢવામાં આવી રહ્યુ છે. હાલ પણ ખાડાવાળા ભાગોમાં પાણી હોવા છતાં ઈજારદાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એક તરફ આરસીસીના માલ નાંખી ખાડા ભરવામાં આવી રહ્યા છે. બીજી તરફ મોટરો મુકી પાણી બહાર કાઢવામાં આવી રહ્યુ છે. ત્યારે ચોમાસા પહેલા આ રીતે નિતી નિયમોને નેવે મુકી માત્ર કામગીરી પુર્ણ કરવાની હોડમાં ભુતકાળનુ પુનરાવર્તન થઈ રહ્યુ છે.