- મંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (એસેએમસી)ના સભ્યો સાથે બેઠક કરી શિક્ષણ બાબતે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું.
નડિયાદ,સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાની સણસોલી પ્રાથમિક શાળા, સોજાલી પ્રાથમિક શાળા અને સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કુલ, સોજાલી ખાતે આંગણવાડી, બાલવાટિકા અને શાળાના બાળકોને વધામણા કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ શાળાના બાળકો સાથે જનરલ નોલેજ, શિષ્યવૃતિ, ક્રિકટે, અને વિજ્ઞાન સહિતના વિષયો પર ક્વિઝ કરી જ્ઞાન સાથે ગમ્મત કરી હતી અને સાચા જવાબ આપનાર બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ મંત્રીએ ઉપસ્થિત બાળકોના વાલીઓને નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાઓ વિશે માહિતિ આપી તેમની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા અપીલ કરી હતી.
ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2024 કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા બેટી બચાઓ- બેટી પઢાઓ, વ્યસન મુક્તિ, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સામાજીક ઉત્કર્ષના વિષયો પર રજૂઆત કરવામા આવી હતી. ઉપરાંત શાળાની તેમજ અન્ય શૈક્ષણિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને નિયમિત શાળામાં આવનાર વિદ્યાર્થીઓનું મંત્રીની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના કાર્યક્રમોમાં મદદ કરનાર દાતાઓનું પણ મંત્રીએ સન્માન કર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે બેઠક કરી શાળામાં શૈક્ષણિક પ્રવૃતિઓ, સફાઈ અને મધ્યાન ભોજનની વ્યવસ્થાઓનુ નિયમિત નિરિક્ષણ કરવા સૂચન કર્યું હતું. તથા શિક્ષકો સાથે બેઠક કરી બાળકોને પાઠ્યક્રમ સાથે સમાજ જીવન સાથે સંકળાયેલ અન્ય વિષયોનુ પણ શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે બાળકોના હાથે જ વૃક્ષારોપણ કરાવી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.
આ કાર્યક્રમમાં મહેમદાવાદ ધારાસભ્યઅર્જૂનસિંહ ચૌહાણ, જીલ્લા રજીસ્ટ્રાર સ્તુતિ રાવલ, મહેમદાવાદ મામલતદાર સંગ્રામસિહં, અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, અગ્રણી ગૌતમભાઈ, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સભ્યો, સરપંચઓ, તલાટીઓ, આગેવાનો, શિક્ષકો, આંગણવાડી બહેનો, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.