જબલપુર,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યું કે, પીએમ મોદી સંઘના સ્વયંસેવક રહ્યા છે પરંતુ સંઘ સ્વતંત્ર રીતે કામ કરતી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પર નિયંત્રણ નથી રાખતું. તેમણે કહ્યું કે સંઘ પ્રત્યક્ષ નિયંત્રણ કે રિમોટ કંટ્રોલનો ઉપયોગ નથી કરતું. સરસંઘચાલકે જબલપુરમાં લોકો સાથે વાત કરતા આ વાત કહી હતી.
મોહન ભાગવતે કહ્યું કે, જ્યારે કોઈ આરએસએસ વિશે વાત કરે છે તો લોકો વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) વિશે પણ વિચારે છે અને તેના સંગઠનમાં પણ સ્વયંસેવક છે અને તેના વિચાર પણ સમાન છે. તેમણે કહ્યું કે, સંઘ કહ્યા બાદ લોકો મોદીજીનું નામ લે છે. મોદીજી અમારા સ્વયંસેવક છે. સંઘ કહ્યા બાદ તમને વિશ્વ હિંદુ પરિષદ નજર આવે છે. વિશ્વ હિંદુ પરિષદમાં સ્વયંસેવક છે અને તેમના વિચારો તથા સંસ્કાર સ્વયંસેવક જેવા જ છે પરંતુ તે તમામ સ્વતંત્ર અને અલગ સ્વયંસેવકો માટે થયેલા કામ છે. તે સંઘ નથી.
આરએસએસના વડાએ કહ્યું કે, સંઘનું એક અલગ અને સ્વતંત્ર કામ છે. સ્વયંસેવકો દરેક જગ્યાએ છે તેથી સબંધ રહે છે જેનાથી સારા કાર્યોમાં મદદ થાય છે. જોકે, સંઘનું તેમના પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ નથી. ભાગવતે કહ્યું કે, હિંદુ ધર્મ કોઈ ધર્મ નથી પરંતુ જીવન જીવવાની રીત છે. તે એક પરંપરા છે જે વિવિધ સંપ્રદાયો, જાતિઓ અને ક્ષેત્રો દ્વારા પોષિત કરવામાં આવે છે.
છત્તીસગઢની મુલાકાત લીધા બાદ અને ત્યાં આરએસએસના કાર્યર્ક્તાઓ સાથે વાતચીત કર્યા બાદ ભાગવત ગુરુવારે ચાર દિવસના પ્રવાસે જબલપુર પહોંચ્યા હતા. તેમણે શુક્રવારે મહાકૌશલ વિસ્તારના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સંસ્થાના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૫માં સંઘ તેનું શતાબ્દી વર્ષ ઉજવશે. આ પહેલા દેશના દરેક ઘર સુધી પહોંચવાનો અને સંઘનો આધાર બમણો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.