કોલકતા,
બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી એંડ્રિલા શર્માનું ૨૪ વર્ષની વયે નિધન થયું છે. ૨૦ નવેમ્બરના રોજ મલ્ટીપલ કાડયાક એરેસ્ટનો ભોગ બન્યા બાદ તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા. એંડ્રિલા શર્મા છેલ્લા ઘણા દિવસોથી કોમામાં હતી. અચાનક નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
એંડ્રિલા શર્માને બીજી વખત કેન્સર હોવાની ખબર પડી છતાં પણ તેણે હાર માની ન હતી. તેણે પોતાની ક્રિટિકલ સર્જરી પૂરી કરી લીધી હતી. એ દરમિયાન તેના કિમોથેરપીના સેશન કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડોક્ટરોએ તેને કેન્સરમુક્ત જાહેર કરી હતી. ત્યાર બાદ એંડ્રિલાએ એક્ટિંગમાં પણ કમબેક કર્યું હતું, પરંતુ એક્ટ્રેસની તબિયત અચાનક ફરી બગડી હતી.
એંડ્રિલા શર્માની કામની વાત કરવામાં આવે તો તે બંગાળી સિનેમામાં વધુ જોવા મળી રહી છે. તેણે ટીવી શો ’ઝુમર’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું હતું. એંડ્રિલાએ તાજેતરમાં જ ૨ ઓટીટી પ્રોજેક્ટ પણ કર્યા છે.