સતત બીજા દિવસે પણ અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી અંબાજીની બજારમાં પાણી ભરાયા છે. અંબાજીની દુકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાયાં છે. જ્યારે ભારે વરસાદથી દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલીક દુકાનોમાં કેડસમા પાણી ભરાયા છે, જ્યારે દુકાનનો માલસામાન પણ પાણીમાં હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાણી ભરાતા દુકાનદારોને ભારે નુક્સાન પહોંચ્યું છે.
દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓએ જાતે પાણી નિકાલની શરૂઆત કરી છે. સિઝનના શરૂઆતના જ વરસાદમાં ગ્રામ પંચાયતની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે.
નોંધનીય છે કે, છેલ્લા ૧૦ કલાકમાં રાજ્યના ૪૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. કોડીનારમાં ૪ કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુત્રાપાડા, મેંદરડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.
વેરાવળ, ઈડર, મોરવા હડફમાં ૧.૫ ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરપાડા, માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જૂનાગઢમાં ૧ ઈંચ, દિયોદરમાં અડધો ઈંચ વરસાદ અને માળિયા હાટિડા, કેશોદ, તાલાલામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
બીજી બાજુ, બનાસકાંઠાના ઘણા તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે. પાલનપુર હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પાલનપુરથી મલાણા જવાના રોડ પર પાણી ભરાયાં છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. સામાન્ય વરસાદમાં જ ગામડાઓને જોડતા માર્ગ પર પાણી ભરાયા છે.