દાણચોરોની ગેંગમાં સામેલ મહિલા સુપરિન્ટેન્જેન્ટ પ્રીતિ આર્યાને સસ્પેન્ડ કરાઇ

દાણચોરોની સિન્ડિકેટ માટે કામ કરતી કસ્ટમની મહિલા સુપ્રિટેન્ડેન્ટ ખાતાકીય તપાસ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પ્રીતિ આર્યા પહેલા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફરજ બજાવતી હતી તે દરમિયાન દાણચોરોની સિન્ડિકેટ એરપોર્ટ પર સક્રિય હતી. દાણચોરીનું સોનું લઈને આવતી મહિલા કેરિયર સાથે મળીને ક્લિયર કરી દેવાતા હતા. મહિલા કેરિયરને મહિલા કસ્ટમ અધિકારી પૂછપરછ કરતા હોવાથી કોઈને શંકા જતી નહતી.

મોટાભાગના કિસ્સાઓમાં લોડર, હાઉસ કીપિંગ સ્ટાફ અને એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ જ કસ્ટમ સાથે મળીને દાણચોરી કરતા હોય છે. ડીઆરઓએ દાણચોરીના કેસમાં એરપોર્ટ મેનેજર મીના સહિત સાત લોકોની ધરપકડ કરી હતી. ત્યારબાદ અમદાવાદ ડીઆરઆઇની ટીમે ચેન્નાઇની દાણચોરોની સિન્ડિકેટના દસ કેરિયરની ધરપકડ કરી હતી. સાત કરોડની ગોલ્ડ પેસ્ટની એરપોર્ટ સર્કલ નજીક હોટલમાં રોકાયેલા સિન્ડીકેટ મેમ્બરોને ડિલિવરી કરતી વખતે ઝડપી લીધા હતા.

ડીઆરઆઇની ટીમે એરપોર્ટમાંથી બે પેસેન્જરો અને હોટલમાંથી આઠની ધરપકડ કરી હતી. ચેન્નાઇની ગેંગ અમદાવાદ અને સુરત એરપોર્ટ પર દાણચોરી કરતા હતા. બે વર્ષમાં ૨૦૦ કરોડનું સોનું એરપોર્ટની બહાર કસ્ટમના ભ્રષ્ટાચારી અધિકારીઓ સાથે મળીને બહાર કાઢ્યું હતું.

ડીઆરઆઇ ટીમે દસ કેરિયરની ધરપકડ કરી ત્યારબાદ અમદાવાદ એરપોર્ટમાંથી સાત અધિકારીઓની અન્ય જગ્યા પર બદલી કરીને નવા અધિકારીઓની નિમણૂક કરી હતી. સસ્પેન્ડ કરેલી મહિલા સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યા પહેલા અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતી હતી. આ દરમિયાન મહિલા કેરિયર સાથે મળીને દાણચોરી કરવામાં મદદ કરતી હતી તેવા તેમના પર આક્ષેપો હતો. સુરત ગયા પછી પણ આ પ્રકારની પ્રેક્ટિસ ચાલુ હોવાના કારણે તેમની બદલી સુરત ડિવિઝનમાં કરીને ખાતાકીય તપાસ ચાલુ રાખવામાં આવી હતી.