કાલોલ શિશુ મંદિરના પાછળના ભાગેથી પસાર થતી ગોમા નદીના પટમાંથી એક જે.સી.બી. અને ટ્રેકટર ખાણ ખનીજે ઝડપી પાડ્યુ

કાલોલ,કાલોલ નગરમાંથી પસાર થતી ગોમા નદીમાં ભુ-માફિયાઓના આતંકથી અનેક ખેડુતો પરેશાન થતાં હોવાની રજુઆત સ્થાનિક અને જિલ્લા તંત્ર સુધી પહોંચતી હોય છે. ગત દિવસમાં પણ કાલોલના ધારાસભ્ય સમક્ષ કાલોલ મેદાપુર વિસ્તારનો એક ખેડુત ખાતેદારે મેદાપુર ગ્રામ પંચાયતના હદ વિસ્તારના ખેતીલાયક જમીનના સર્વ નંબરની આસપાસ રોયલ્ટીની મંજુરી કરતા વધુ માટી ખોદકામ થતુ હોવાની રજુઆત ખેડુતો ધારાસભ્યને કરતા કાલોલ વિધાનસભા ધારાસભ્ય ફતેસિંહ ચોૈહાણ દ્વારા તાત્કાલિક ધોરણે કાલોલ મામલતદાર અને તાલુકા વિકાસને આ અંગે સંપુર્ણ રેતી, માટી અને ઈંટોના ધંધાઓ પર અંકુશ લગાવી સદંતર બંધ કરવા માટે સુચનો કર્યા હતા.

જેના પગલે કાલોલ મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ ગોધરાને પણ મોૈખિક રજુઆત અને સમાચારોના માઘ્યમથી ઉજાગર કરતા બુધવાર સવારથી જ ખાણ ખનીજ વિભાગ ગોધરાની ટીમ કાલોલ ગોમા નદીમાં બાજ નજર રાખી ભુ-માફિયાઓ પર દરોડો પાડતા કાલોલ શિશુ મંદિરના પાછળના ભાગમાંથી પસાર થતી ગોમા નદીમાં એક જેસીબી મારફતે ગોમા નદીના પટમાં રેતી ખનન કરી ટ્રેકટરો દ્વારા રેતીની હેરાફેરી કરતા હોવાનુ નજરે ચઢતા ખાણ ખનીજ વિભાગે બે વાહનો જપ્ત કરી લીધા હતા.

ખાણ ખનીજ વિભાગ દ્વારા એક જેસીબી અને એક ટ્રેકટર કબ્જે લઈ તેને હંકારતા બે ચાલકોની પણ ખનીજ વિભાગે પુછપરછ કરી કાલોલ મામલતદાર કચેરી ખાતે લાવી બંને વાહનો સીઝ કર્યા હતા. ખાણ ખનીજ વિભાગની ટીમે સીઝ કરેલ જેસીબી અને ટ્રેકટરમાં ભરેલ રેતી સાથે વાહનોના અંદાજિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાલોલ ગોમા નદીમાંથી બે વાહનો ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડતા કાલોલ નગરના રાજકિય બેડામાં દોડધામ મચી જવા પામી હતી.

કાલોલ નગરમાં વર્ષોથી ગોમા નદીમાં ખનીજ ચોરી થતી હોય છે. અને આ ખનીજ ચોરીમાં કાલોલ નગરપાલિકાના અમુક સભ્યના સગા સ્નેહીઓની સંડોવણી હોવાનુ પણ કાલોલ નગરમાં લોકમુખે સાંભળવા મળી રહ્યુ છે. આવી રાજકિય વગ અને ઓથા હેઠળ ખનીજ ચોરીનો વ્યવસાય ફુલ્યો ફાલ્યો છે.ત્યારે તંત્ર નિષ્પક્ષ બનીને ખનીજ ચોરીને ડામી દેવા કાર્યવાહી કરે તે જરૂરી છે. આ ખનીજ માફિયાઓની પીઠ પાછળ રાજકિય હાથ હોવાના કારણે માથાભારે ખનીજ માફિયાઓને કોઈ પણ ડર હોતો નથી. જયારે લાખો ટન રેતીનુ બેફામ ખનન થઈ રહ્યુ છે. અને અવાર નવાર આ નગરપાલિકાના સભ્યના સગા સ્નેહીઓના વાહનો ખનીજ ચોરીમાં ઝડપાયા હોવાના અનેક કેસો પણ અગાઉ ખાણ ખનીજ વિભાગના ચોપડે નોંધાયા છે. તેમ છતાં પણ આજદિન સુધી કોઈ માઠી અસર જોવા મળતી નથી.