ખેડા જીલ્લામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

  • મંત્રી જગદીશ વિશ્વકર્મા એ માતર તાલુકાની પરીએજ અને સીંજીવાડા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી અને શાળાના બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવી વધાવ્યા.

નડિઆદ,સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા એ ખેડા જીલ્લાના માતર તાલુકાની સીંજીવાડા પ્રાથમિક શાળા, પરીએજ પે સેન્ટર પ્રાથમિક શાળા અને મીઠાઈવાલા હાઈસ્કૂલ ખાતે આંગણવાડી, બાલવાટિકા અને શાળાના બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવી વધાવ્યા હતા.

આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ શાળાના બાળકો સાથે શિક્ષણ, સ્કોલરશીપ, રમત જગત, સામાન્ય જ્ઞાન અને વિજ્ઞાન સહિતના વિષયો પર ક્વિઝ કરી જ્ઞાન સાથે ગમ્મત કરી હતી અને સાચા જવાબ આપનાર બાળકોને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ મંત્રીએ ઉપસ્થિત શિક્ષકોને બાળકોના માધ્યમથી જન કલ્યાણની યોજનાઓ વિશે માહિતગાર થઈ જરૂરીયાતમંદોને યોજનાકીય લાભ અપાવવા મદદ કરવા સૂચન કર્યું હતું. વિદ્યાર્થીનીઓ માટેની નમો લક્ષ્મી યોજનાનો મહત્તમ લાભ લઈ દીકરીઓને ભણાવવા માટે અપીલ કરી હતી.

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2024 કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા યોગ, પર્યાવરણ, સ્વાસ્થ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા મહત્વના વિષયો પર રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત શાળાની તેમજ અન્ય શૈક્ષણિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું મંત્રીની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના કાર્યક્રમોમાં મદદ કરનાર દાતાઓનું પણ મંત્રીએ સન્માન કર્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે બેઠક કરી શાળામાં નિયમિત મુલકાત લેવા, શિક્ષણ અને સફાઈ વગેરેનું નિયમિત નિરિક્ષણ કરવા સૂચન કર્યું હતું. તથા બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ મુજબનું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે શાળા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. સાથે જ મંત્રીએ મધ્યાન ભોજનની ગુણવત્તાનું પણ નિરિક્ષણ કર્યુ હતુ. અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.

આ કાર્યક્રમમાં માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, જીલ્લા રજીસ્ટ્રાર સ્તુતિ રાવલ, જીલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ, માતર મામલતદાર, અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સભ્યો, સરપંચઓ, આગેવાનો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.