ઉજવણી…ઉલ્લાસમય શિક્ષણની : શાળા પ્રવેશોત્સવ-2024 : મહીસાગર જીલ્લા કલેક્ટરએ પીએમ માખલિયા પ્રાથમિક શાળા ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો

  • કલેકટરના વરદ હસ્તે બાળકોને તિલક કરી કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા.

મહીસાગર,આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024નો શુભારંભ થયો છે. આ પ્રસંગે મહીસાગર જીલ્લા કલેક્ટર નેહા કુમારીએ લુણાવાડા તાલુકાના પીએમ માખલિયા પ્રાથમિક શાળા ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવના શુભારંભ પ્રસંગે કલેક્ટર નેહા કુમારીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલવાની અમૂલ્ય ચાવી છે જેના થકી આકાશમાં ઊંચી ઉડાન પણ ભરી શકે છે. શિક્ષણ એ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે.શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ થકી શાળાઓમાં બાળકોનું સો ટકા નામાંકન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં કલેકટર જે બાળકોએ આજે પ્રવેશ મેળવ્યો તે બાળકોને જીવનમાં ભણી ગણી ખૂબ આગળ વધે અને માં બાપ અને ગામનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ આપી .

આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે કીટ આપી ઉત્સાહ સાથે બાળકોને આવકારવામાં આવ્યા હતા. શાળા પ્રવેશોત્સવ દરમિયાન કલેક્ટર દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થી જે જેઓ પેહલા નંબર લાવ્યા હોય તેમને નોટબુક આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે જીલ્લા કલેકટરએ એસ.એમ.સીના સભ્યો સાથે બેઠક કરી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી.

કલેકટર નેહા કુમારીના હસ્તે મહીસાગર જ્ઞાનગંગા પ્રકલ્પ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.શાળા પ્રવેશોત્સવ દરમિયાન પીએમ માખલિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં -28 બાળકો અને ધો-1માં -24 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.

આ પ્રસંગે ગામના સરપંચ, એસ.એમ.સી. સભ્ય, શાળાના આચાર્ય, શિક્ષકો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.