પશ્ચિમ બંગાળ સરકારે સ્પષ્ટતા કરી હતી કે અગ્રણી એફએમસીજી બ્રાન્ડ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રાજ્યમાંથી બહાર નીકળવાની કોઈ યોજના નથી અને કંપની પશ્ચિમ બંગાળ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બ્રિટાનિયાના તારાતલા પ્લાન્ટને બંધ કરવાના રાજકીય વિવાદ પછી રાજ્ય સરકાર વતી મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના મુખ્ય મુખ્ય સલાહકાર ડૉ.અમિત મિત્રાએ આ નિવેદન બહાર પાડ્યું છે.
રાજ્ય સચિવાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મિત્રાએ જણાવ્યું હતું કે તેમણે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર વરુણ બેરી સાથે વાત કરી હતી, જેમણે તેમને ખાતરી આપી હતી કે કંપની પશ્ચિમ બંગાળ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
ડૉ. અમિત મિત્રાએ વાત કરતાં કહ્યું કે, માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ મુખ્ય પ્રવાહના મીડિયામાં પણ જૂઠું બોલવામાં આવી રહ્યું છે કે બ્રિટાનિયા રાજ્યમાંથી ભાગી રહી છે. બ્રિટાનિયાના મેનેજિંગ ડિરેક્ટરે ફોન કરીને કહ્યું કે તેઓ સંપૂર્ણ બંગાળ માટે પ્રતિબદ્ધ છે, તેઓ રાજ્યમાં રૂ. ૧,૦૦૦-૧,૨૦૦ કરોડના ઉત્પાદનોનું ઉત્પાદન કરી રહ્યા છે, જે ચાલુ રહેશે.
આ પહેલા ૨૪ જૂને બીજેપીના આઈટી સેલના ઈન્ચાર્જ અને પશ્ર્ચિમ બંગાળના સહ ઈન્ચાર્જ અમિત માલવિયાએ ટ્વિટર પર બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ ફેક્ટરી બંધ થવાની જાણકારી આપી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તે બંગાળના પતનનું પ્રતીક છે, એક પ્રદેશ જે એક સમયે તેના સાંસ્કૃતિક અને બૌદ્ધિક યોગદાન માટે ઉજવવામાં આવતો હતો.
તેમણે કહ્યું, તૃણમૂલ કોંગ્રેસના ગેરવસૂલી અને સિન્ડિકેટને કારણે બંગાળ પહેલેથી જ ગંભીર બેરોજગારીના વમળમાં ફસાઈ ગયું છે, હવે કારખાનાઓ બંધ થવાથી, લોકો વધુ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સામૂહિક છટણી શરૂ થઈ ગઈ છે. કમનસીબે, બંગાળનું ભાવિ હવે ’યુનિયન બાઝી’ અને ’ટોલા બાઝી’ના બે શાપથી ઘેરાયેલું છે. મહત્ત્વનો પ્રશ્ર્ન એ છે કે બંગાળ આ શાપમાંથી ક્યારે મુક્ત થશે.