વરસાદના કારણે પાવાગઢની રોપ-વે સેવા હાલ પૂરતી સ્થગિત કરાઇ

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, હવે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. વાતાવરણમાં પલટો આવી ગયો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ થયો છે, અને ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ છવાયો છે. વરસાદને કારણે પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

પાવાગઢ ડુંગર પર પણ ભારે પવન સાથે વરસાદ થયો છે. ત્યારે હાલ યાત્રાધામ પાવાગઢમાં વરસાદને કારણે રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે.ભારે પવન સાથે વરસાદ પડવાને કારણે યાત્રિકોને નુક્સાન ન થાય તે માટે રોપ-વે સેવાને બંધ કરી દેવામાં આવી છે. વરસાદ બંધ થશે એ પછી રોપ-વે સેવા ફરી શરૂ કરી દેવામાં આવશે.

વરસાદ બંધ થયા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરાશે. સંચાલકોએ પ્રવાસીઓની સુરક્ષા માટે રોપવેને બંધ કરી દીધો છે. ભારે પવન સાથે વરસાદને કારણે કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે રોપવે સેવાઓ બંધ થતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.