સુરતમાં હાર્ટ એટેકથી માત્ર ૨૪ કલાકમાં જ ૨ યુવકોના મોત

સુરતમાં હાર્ટએટેકથી ૨૪ કલાકમાં ૨ યુવકના મોત થયાની માહિતી સામે આવી છે. ૨૯ વર્ષીય યુવક અલથાણ વિસ્તારમાં જીમમાં ક્સરત કરતા અચાનક બેભાન થઈને ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. ત્યારે તેનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. જયારે અન્ય એક કિસ્સામાં પાંડેસરામાં ૩૪ વર્ષીય યુવક વોક કરી ઘરે આવ્યા બાદ અચાનક બેભાન જતા મૃત્યુ થયું છે. તેનું મોત પણ હાર્ટએટેકથી થયું હોવાની શકયતા છે.

સુરતમાં તાજેતરમાં હાર્ટએટેકથી થતા મોતના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા ૨૯ વર્ષીય વિપુલ કહાર જીમમાં ક્સરત કરી રહ્યો હતો. દરમિયાન તે અચાનક જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેનું પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરે એવી શક્યતા વ્યક્ત કરી કે વિપુલના હૃદયમાં લોહી જામી ગયું હતું, જેને કારણે તેને હાર્ટએટેક આવતા તેનું મોત થયું.

બીજી તરફ પાંડેસરામાં રહેતા ૩૪ વર્ષીય કેદાર પ્રસાદ નામના યુવકનું પણ હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. કેદાર પ્રસાદ નામનો યુવક વોક કરીને ઘરે આવ્યો એ પછી તે અચાનક જ બેભાન થઈ ગયો અને મૃત્યુ પામ્યો. તે વોક કરીને ઘરે આવતા બેભાન થઈ ગયો, તો તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહીં ડોકટરે તેને મૃત જાહેર કર્યો. તેનું પણ મોત હાર્ટએટેકથી થયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.