રાજકોટમાં વેપારીઓએ સજ્જડ બંધ પાળી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી

  • વહેલી સવારથી ટ્રાફિકથી ધમધમતી રાજકોટની અનેક બજારોમાં આજે સન્નાટો જોવા મળ્યો હતો

રાજકોટમાં ૨૫મી મે ના રોજ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં ૨૮ જિંદગીઓ આગમાં ભડથુ થઈ ગઈ હતી. ગુજરાતના સૌથી મોટા દર્દનાક અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે શહેરમાં ૧૨ વાગ્યા સુધીના બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ બંધ દરમિયાન વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધનું સમર્થન કર્યુ હતું.વહેલી સવારથી ટ્રાફિકથી ધમધમતી રાજકોટની અનેક બજારોમાં આજે સન્નાટો જોવા મળ્યો હતો શહેરની મોટાભાગની મોટી-મોટી માર્કેટ સજ્જડ બંધ રહી હતી

બંધના પગલે શહેરના ધર્મેન્દ્ર રોડ પરાબજાર, લાખાજીરાજ રોડ સજ્જડ બંધ રહ્યા હતા. ૧૨ વાગ્યા સુધી વેપારીઓ બંધમાં જોડાયા. લોકોમાં પણ આ અગ્નિકાંડની ઘટના બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બંધને યાનમાં રાખી બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જે દુકાનો ખુલ્લી હતી ત્યા કોંગ્રેસના કાર્યર્ક્તાઓ વિનંતિ કરી બંધ કરાવતા જોવા મળ્યા હતાં વેપારીના જણાવ્યા મુજબ અગ્નિકાંડમાં ૨૫ થી ૩૦ વર્ષના અનેક નાના-નાના દીકરાઓએ જીવ ગુમાવ્યા છે. એ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અઢી વાગ્યા સુધી તમામ દુકાનો સ્વયંભુ બંધ રાખવામાં નિર્ણય લેવામાં આવ્યો હતો ધર્મેન્દ્ર રોડ, ઘીકાંટા રોડ, બંગડી બજાર, દાણાપીઠ, લાખાજીરાજ રોડ, પરાબજાર સહિતના વિસ્તારોના વેપારીઓએ સજ્જડ બંધ રાખ્યું હતું

વહેલી સવારથી જ એનએસયુઆઇ યુથ કોંગ્રેસના કાર્યર્ક્તાઓ શાળા બંધ કરાવવા નીકળ્યા હતા. કોંગ્રેસના કાર્યર્ક્તાઓએ શાળા બંધ કરાવવા મામલે ભાજપે રાજકારણ કરવાનો આક્ષેપ મુક્યો. તો કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો કે જે શાળા સાથે ભાજપના હોદ્દેદારો સંકળાયેલા છે તેઓ બંધમાં જોડાયા ન હતાં યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, સોની બજાર પણ બંધ જોવા મળ્યા. તો ગુંદાવાડી બજાર અને જંકશન પ્લોટ સહિતના વિસ્તાર બંધ જોવા મળ્યા.પીડિત પરિવારની અટકાયત થતા એક બહેને રડતા અવાજે આક્રોશ વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે, ગુજરાત સરકાર લાજવાને બદલે ગાજી રહી છે. મારા ભાઈની અટકાયત કરી છે. અમે ન્યાય માટે લોકોને બંધ કરવા અપીલ કરી રહ્યા છીએ. રડતા રડતા કહ્યું આવી ગુજરાત સરકાર અમારે નથી જોઈતી. અમે સરકારથી નારાજ છીએ.

રાજકોટ બંધનું એલાન વચ્ચે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની સ્કૂલ ચાલુ હતી. ત્યારે એનએસયુઆઇ અને કોંગ્રેસ કાર્યકરોએ વિઝડમ સ્કૂલ બંધ કરાવી હતી. આ સ્કૂલ બંધ કરાવતા સંચાલકો પોલીસ બોલાવી હતી. .

શક્તિસિંહે રાજકોટવાસીઓનો આભાર માનતા જણાવ્યું કે, ન્યાય માટે કોંગ્રેસની લડાઇમાં રાજકોટવાસીઓએ સાથ આપ્યો છે. શાળા, ટ્યુશન અને વેપારી એસોસિએશનના સભ્યોએ સ્વયંભૂ બંધ પાડ્યો છે. વેપારી એસોસિએશનના સભ્યોએ પણ અમારી લડાઇને બિરદાવી બંધમાં સમર્થન આપ્યું છે.

શક્તિસિંહે સરકાર પર આરોપ લગાવતાં એમ પણ કહ્યું કે, એક મહિના બાદ પણ પીડિતો સાથે સરકારે સંવેદના સાથે વાત કરીને એમ પણ પૂછ્યું નથી કે અમે તમારી માટે શું કરી શકીએ. આ લોકશાહીની રીત નથી.

રાજકોટમાં કાલાવડ રોડ પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવતા કાર્યકરો રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું, ત્યારે વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.કેટલાક કાર્યકરોની અટકાયત કરાતા ચક્કાજામ કરાયો. જેને લઈને પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ, તો વિરોધ કરી રહેલા કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી. મહત્ત્વનું છે કે, અગ્નિકાંડમાં ન્યાયને લઈને કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે.