ગોધરાના રામસાગર તળાવના કિનારે મુકેલ શૌચાલય પાસે મહિલાઓ જાહેરમાં શૌચક્રિયા કરતાં નગર પાલિકાના સત્તાધીશો માટે લાજવા જેવી બાબત

ગોધરા,
ગોધરા શહેર ચબુતરા વિસ્તારમાં તળાવના કિનારે આવેલ જાહેર શૌચાલયને નગર પાલિકા દ્વારા તોડી નાખવામાં આવ્યા બાદ અનેક રજુઆતો બાદ મોબાઈલ શૌચાલય શોભાના ગાંઠીયા માફક બિનઉપયોગ મૂકવામાં આવ્યું છે. તેના ઉપયોગ કરી શકાતો નથી. આ વિસ્તારમાં પુરૂષોને સંકોચ સાથે ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબુર બનતા હોય છે. ત્યારે બીજી તરફ મહિલાઓની સ્થિતી કફોડી બની છે છતાં મહિલાઓ મજબુરીમાં ખુલ્લામાં શૌચક્રિયા કરતી હોય આ બાબતે ગોધરા નગર પાલિકાના સાક્ષકો માટે લાજવા જેવી લાગી રહી છે.

ગોધરા નગર પાલિકા દ્વારા ચબુતરા વિસ્તારમાં તળાવના કિનારે આવેલ જાહેર શૌચાલય ને ગંદકીનું બહાનું આગળ કરીને તોડી નાખવામાં આવી હતી. તળાવ કિનારે આવેલ જાહેર શૌચાલય તોડી નાખવામાં આવતાં આસપાસ વિસ્તારના વેપારીઓ તેમજ મુખ્ય બજાર હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી બજારમાં આવતાં બહાર ગામના લોકોને શૌચક્રિયા માટે કયાં જવું તેની મુશ્કેલીઓ પડી રહી હતી. જાહેર શૌચાલય તોડી નાખવાના મુદ્દે પાલિકા સભ્ય દ્વારા ભુખ હડતાળ કરવાની જાહેરાત કરવામાં આવતા પાલિકા તંત્ર સફાળું જાગ્યું હોય તેમજ તોડી નાખવામાં આવેલ શૌચાલયના સ્થાને મોબાઈલ શૌચાલય ગોઠવી દેવામાં આવ્યું છે. પાલિકા દ્વારા મુકવામાં આવેલ મોબાઈલ શૌચાલય બિનઉપયોગી માત્ર શોભાના ગાંઠીયો બનીને રહ્યું છે. પાલિકા દ્વારા મુકવામાં આવેલ શૌચાલયનો ઉપયોગ કરી શકાય તેવી સ્થિતીમાં લાગી રહ્યો નથી. જેને લઈ આ વિસ્તારના લોકો સંકોચ સાથે ના છુટકે જાહેરમાં શૌચક્રિયા કરતાં જોવા મળે છે. આથી આગળ આ વિસ્તાર ટ્રાફિકની અવર-જવર તેમજ આસપાસ ચાની લારીઓ, ગલ્લાઓ આવેલ છે. જેને લઈ મહિલાઓને શૌચક્રિયા કરવા કયાં જવું પ્રશ્ન થઈ રહ્યો છે. તેમ છતાં અમુક મહિલાઓ કુદરતી પ્રક્રિયા રોકી શકતી ન હોય તેવી સ્થિતીમાં ના છુટકે શરમ સંકોચ સાથે ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબુર બની રહી છે. ગોધરા નગર પાલિકાના સત્તાધિશો માટે લાજવા જેવી બાબત છે. નગર પાલિકા તંત્રની પ્રાથમિક જરૂરીયાત પણ પુરી પાડવામાં નિષ્ફળ નિવડી રહી છે. પરિણામે મહિલાઓનું સન્માન પણ જળવાઈ રહ્યું નથી. તેવા સંજોગોમાં નગર પાલિકા તંત્ર દ્વારા તળાવના કિનારે મુકવામાં આવેલ મોબાઈલ શૌચાલયની સાફ-સફાઈ કરાવીને લોકઉપયોગી બનાવે તે જરૂરી લાગી રહ્યું છે.