શાળાઓ શરૂ થતાં મહિસાગર જીલ્લામાંં લાયન્સ કલબના માધ્યમથી શૈક્ષણિક કીટ વિતરણ કરાયુંં

શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જરૂરિયાત મંદ બાળકો શૈક્ષણિક સામગ્રીના અભાવે શિક્ષણમાં પાછળ ન રહે તેવા ઉમદા આશયથી મહીસાગર જીલ્લામાં છેલ્લા પંદર વર્ષથી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને સેવાભાવી દાતા ડો. આર બી પટેલ લાયન્સ કલબના માધ્યમથી શૈક્ષણિક કીટનું વિતરણ કરી રહયા છે.

આ વર્ષે જીલ્લાની 130 જેટલી શાળાઓને ફૂલ સ્કેપ બુક ઉપરાંત પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા બાળકોને દફતર સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ લુણાવાડા તાલુકાનાં મલેકપુર પ્રાથમિક શાળા ખાતે જીલ્લા કલેકટર નેહાકુમારીના અધ્યક્ષ સ્થાને જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અવનીબા મોરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.

ડો. આર.બી.પટેલ અને લાયન્સ ક્લબ આયોજીત આ કાર્યક્રમમાં શાળાઓને શૈક્ષણિક કીટ વિતરણ સાથે સાથે તેજસ્વી બાળકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું. તેમજ ચોમાસાને અનુલક્ષી કાચું મકાન ધરાવતા જરૂરિયાતમંદ પરિવારને 42 તાડપત્રી વિતરણ કરવામાં આવી હતી.

ડો. આર.બી.પટેલે પોતાના અભ્યાસ કાળમાં પડેલી મુશ્કેલીને વર્ણવી હાલ અભ્યાસ કરતાં બાળકો તકલીફ વેઠયા વગર સારી રીતે ભણી શકે તે માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે, તેમ જણાવ્યુ હતું. જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના મહાનુભાવોએ ડો. આર.બી. પટેલની સેવાભાવનાને બિરદાવી શાળાના બાળકો માટેની ઉમદા પ્રવુત્તિ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ જનક જોશી, ડો પ્રવીણભાઈ પ્રજાપતિ, ડો. જીલ વ્યાસ, ડો. દિવ્યાંગ પટેલ, જીલ્લા શિક્ષક સંઘ પ્રમુખ શશિકાંતભાઈ, તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ બિપિનભાઈ, સરપંચ, શાળાના આચાર્યો, સીઆરસી, શિક્ષકો, ગામના અગ્રણીઓ અને બાળકો ઉપસ્થિત રહયા હતા.