દે.બારીયાની બૈણા ગામે પાનમ નદીમાં અચાનક પુર આવતા ટ્રેકટર તણાયું : ચાલક સહિત યુવક પાણીમાં ફસાતા ગ્રામજનોએ બહાર કાઢયા

દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામની પાનમ નદીમાં એકાએક પુર આવતા ટ્રેક્ટર તણાયું. ટ્રેક્ટરનો ચાલક સહિત અન્ય એક યુવક પાણીના પ્રવાહમાં ફસાયા ગ્રામજનોએ ચાલક સહિત યુવકને બહાર કાઢ્યા સદનસીબે જાનહાનિ થતા બચી હોય તેમ.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા તાલુકા ના બૈણા ગામે પસાર થતી પાનમ નદીમાં રાત-દિવસ મોટા પાયે રેતી ખનન ચાલી રહ્યું છે. જેમાં ચોમાસાં ને લઈ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ ને પણ અહીના રેત માફીયાઓ જાણે ઘોળીને પી જતા હોય તેમ જોવાઈ રહ્યું છે. ગત વર્ષે નદીમાં પુર આવવાના કારણે ઉચવાણ ગામે રેતી ભરવા ગયેલી ટ્રક તણાઈ હતી. જેમાં બાર કલાક થી વધુ સમયની ભારે જહેમતે પાણીનાં પુર માંથી એન.ડી.આર.એફ.ની ટીમે ટ્રક ચાલક સહિત અન્ય ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. ત્યારે દર વર્ષે આ પાનમ નદીમાં રેતી ભરવા જતા ટ્રક તેમજ ટ્રેક્ટરો તણાઈ જવાના બનાવો બનતા જોવા મળ્યા છે. ત્યારે આ વર્ષે પણ હજુ બારીયા પંથકમાં ચોમાસાંની શરૂઆત થઈ નથી. વરસાદ વરસ્યો નથી, તે પહેલા જ ટ્રેક્ટર તણાવવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાનમ નદીમાં એકાએક પુર આવતા એક ટ્રેક્ટર જે નદીમાં રેતી ભરવા માટે ગયું હતું તે રીતે ભરીને બહાર આવે તે પહેલા જ નદીમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જતા પુરની સ્થિતિ સર્જાઇ હતી. ટ્રેક્ટર ચાલક કઈ સમજે તે પહેલા જ ટ્રેક્ટરની ચારે તરફ પૂરના પાણી ફરી વળતા ટ્રેક્ટર નદીમાં રેતી ભરવા માટે જે રસ્તો બનાવવામાં આવ્યો હતો. તેમાંથી તણાઈને થોડે દૂર સુધી જતું રહ્યું હતું. ત્યારે ટ્રેક્ટર ચાલક તેમજ અન્ય એક ઇસમ એમ બંને જણ ટ્રેક્ટરની ટ્રોલીમાં ઉભા થઈ ગયા હતા. જે બનાવની જાણ આસપાસના ગ્રામજનોને થતા ગ્રામજનો દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ગ્રામજનોએ એક ઇસમને ટ્રેક્ટર માંથી બહાર કાઢી લીધો હતો. જ્યારે નજીકમાં જ રેતીનું ખોદકામ કરતાં હીટાચી મશીન દ્વારા ટ્રેક્ટરના ચાલક સહિત ટ્રેકટરને પણ બહાર કાઢી લેતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ના થતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે હજુ પણ આ બૈણા પંથકમાં મોટાપાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોય તેમ જોવાઈ રહ્યું છ ત્યારે તંત્ર આ વાર એક માફિયા ઉપર પગલા લેશે કે પછી દર વખતની જેમ ગાડીઓ તણાતા જ તંત્ર દોડતું રહેશે તે જોવાનું રહ્યું.