સીંગવડની મોટી મંડેર ગામે જમીનમાં રસ્તો બનાવવા બાબતે ઝગડામાંં બે મહિલા સહિત 6ને ઈજાઓ

દાહોદ, દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના મોટી મંડેર ગામે બે પક્ષો વચ્ચે જમીનમાં રસ્તો બનાવવા બાબતે થયેલ ઉગ્ર બોલાચાલી બાદ સામસામે મારક હથિયારો ઉછળતાં બંન્ને પક્ષોમાંથી બે મહિલા સહિત છ વ્યક્તિઓને શરીરે, હાથે પગે, માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તમામ ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે ત્યારે આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.

ગત તા.24મી જુનના રોજ સીંગવડના મોટી મંડેર ગામે કિશોરી ફળિયામાં રહેતાં પાયલબેન દિનેશભાઈ કિશોરી, સુનીતાબેન બાબરભાઈ કિશોરી, દિનેશભાઈ નાનજીભાઈ કિશોરી, બાબરભાઈ ખીમાભાઈ કિશોરી, નરશિંગભાઈ નાનજીભાઈ કિશોરી, સુનીતાબેન બાબરભાઈ કિશોરી તથા કાળાભાઈ દિનેશબાઈ કિશોરીનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાના હાથમાં મારક હથિયારો જેવા કે, લાકડીઓ, કુહાડી, તીર-કામઠા વિગેરે જેવા મારક હથિયારો સાથે પોતાના ગામમાં રહેતાં સોમાભાઈ મનાભાઈ કિશોરીના ઘરે આવી જમીનમાં રસ્તો બનાવવા બાબતે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ સોમાભાઈ, રીનાબેન તથા કવીબેનને તીરકામઠા વડે, કુહાડીની મુદર વડે, લાકડી વડે તેમજ પથ્થર વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત સોમાભાઈ મનાભાઈ કિશોરીએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામાપક્ષેથી સીંગવડના મંડેર ગામે ડામોર ફળિયામાં રહેતાં દિનેશભાઈ નાનજીભાઈ કિશોરીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, પોતાના ગામમાં રહેતાં સોમાભાઈ માનાભાઈ કિશોરી, રમણભાઈ સીસકાભાઈ કિશોરી, રાજુભાઈ સોમાભાઈ કિશોરી, સરતનભાઈ સીસકાભાઈ કિશોરી, શનુભાઈ સીસકાભાઈ કિશોરી, સમસુભાઈ સીસકાભાઈ કિશોરી પ્રવિણભાઈ કાળુભાઈ કિશોરી, અરવિંદભાઈ કાળુભાઈ કિશોરી વિનેશબાઈ ટીટાભાઈ કિશોરી તથા રવિન્દ્રભાઈ સમસુભાઈ કિશોરીનાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાના હાથમાં મારક હથિયારો જેવા કે, તલવાર, લોખંડની પાઈપ, લાકડીઓ તેમજ છુટ્ટા પથ્થરો હાથમાં લઈ દિનેશભાઈ નાનજીભાઈ કિશોરીના ઘરે આવી બેફામ ગાળો બોલી, કીકીયારીઓ કરી જમીનમાં રસ્તો બનાવવા બાબતે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ બાબુભાઈ દલાભાઈ કિશોરી, નીલેશભાઈ તથા દિનેશભાઈને તલવાર વડે, લોખંડની પાઈપ વડે તેમજ છુટ્ટા પથ્થરો વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત દિનેશભાઈ નાનજીભાઈ કિશોરીએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમ, તમામ ગંભીર ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે રણધીકપુર પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.