નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી-શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે ઇલેક્શન કમિશનને પક્ષને ફાળવવામાં આવેલા ચૂંટણીચિહ્ન તુતારી બાબતે વહેલી તકે નિર્ણય લેવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટમાં જવાની ચીમકી આપતો પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. શરદ પવારે પત્રમાં લખ્યું હતું કે ’તુતારીને ચૂંટણીના ચિહ્નની યાદીમાંથી કાઢી નાખો. લોક્સભાની ચૂંટણીમાં ઇલેક્શન કમિશને અનેક અપક્ષ ઉમેદવારોને તુતારી ચિહ્ન આપવાને લીધે અમને નુક્સાન થયું છે. આથી આ બાબતે વહેલી તકે નિર્ણય નહીં લેવામાં આવે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.’
શરદ પવાર જૂથના નેતાઓએ દાવો કર્યો છે કે તેમના પક્ષે લોક્સભાની ચૂંટણી તુતારી વગાડતો માણસ ચિહ્ન પર લડી હતી. જોકે ઇલેક્શન કમિશને કેટલાક અપક્ષ ઉમેદવારોને તુતારી ચિહ્ન ફાળવ્યાં હતાં, જેને લીધે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી-શરદચંદ્ર પવાર)ના ઉમેદવારોને મોટું નુક્સાન થયું હતું. સાતારા લોક્સભાની બેઠકમાં મતદારો તુતારી વગાડતો માણસ અને તુતારી ચિહ્નનો ફરક સમજી નહોતા શક્યા એટલે પરાજય થયો હતો.