અગ્નિકાંડને એક મહિનો પૂરો, ૨૫ જૂને રાજકોટ બંધનું એલાન, સંસદમાં કોંગ્રેસ મુદ્દો ઉઠાવી શકે છે

  • રાહુલ ગાંધીએ, રાજકોટ અગ્નિકાંડના પીડિતોના પરિવારજનો સાથે વાતચીત દરમિયાન વચન આપ્યું છે કે જો તેઓ કહેશે તો તેઓ આ મુદ્દો લોક્સભામાં ઉઠાવવા પણ તૈયાર છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક બની રહી છે. આવતીકાલ ૨૫ જૂનના રોજ કોંગ્રેસે રાજકોટ બંધ પાળવા માટેનું એલાન આપ્યું છે. તો કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અયક્ષ રાહુલ ગાંધીએ, તાજેતરમાં જ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મદદથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો ભોગ બનનારના પરિવારજનો સાથે ઓનલાઈન પ્લેટફોર્મ ઝૂમ દ્વારા વીડિયો કોલથી વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પિડીતો સાથે વાત કરતા કહ્યું હતું કે, તમે કહેશો તો આ મુદ્દો કોંગ્રેસ લોક્સભામાં ઉઠાવશે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને આવતીકાલ ૨૫મી જૂનના રોજ એક મહિનો થશે. આ એક મહિનામાં સરકાર અને તંત્ર દ્વારા અનેક પગલાં લેવાયા છે. તો આ મુદ્દે કોંગ્રેસે લોકોની લાગણીને વાંચા આપવા માટે આવતીકાલ ૨૫મી જૂનને મંગળવારના રોજ રાજકોટ બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ, હજુ બે દિવસ પૂર્વે જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોના પરિવારજનો સાથે વાત કરી હતી. રાહુલે તેમની વાતચીતમાં પીડિતોના પરિવારજનોને વચન આપ્યું છે કે, જો તેઓ કહેશે તો તેઓ આ મુદ્દો લોક્સભામાં ઉઠાવવા પણ તૈયાર છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ, રાજકોટ અગ્નિકાંડના પીડિતોના પરિવારજનો સાથે વાતચીત દરમિયાન વચન આપ્યું છે કે જો તેઓ કહેશે તો તેઓ આ મુદ્દો લોક્સભામાં ઉઠાવવા પણ તૈયાર છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી ૨૭ લોકોના મોત થયા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિકાંડની તપાસ માટે એસઆઇટીની રચના કરાઈ છે. જેણે તેનો અહેવાલ સરકારને આપ્યો છે. આ રિપોર્ટ દ્વારા એસઆઇટીએ ગુજરાત સરકારને, ટીઆરપી ગેમ ઝોનના ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ચાર આઇપીએસ અને એક આઇએએસ અધિકારીની પૂછપરછની વિગતો પણ આપી છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગની ઘટનાના વિરોધમાં, ગુજરાત કોંગ્રેસે, રાજકોટના લોકોને આવતીકાલ ૨૫ જૂનના રોજ સ્વયંભૂ એક દિવસ માટે બંધ પાળવા એલાન કર્યું છે. કોંગ્રેસ તરફથી આગની ઘટનામાં જવાબદાર દોષિતો સામે કડક અને દાખલારુપ કાર્યવાહી કરવાની સાથે સાથે સમગ્ર મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ અથવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માંગ કરી રહી છે. ગુજરાત કોંગ્રેસની માંગ છે કે પીડિતોને સારું વળતર મળવું જોઈએ.