જામનગરના કાલાવડના મૂળિયા ગામે ભારે વરસાદને પગલે તૂટ્યો પૂલ, સ્કૂલ બસ ફસાતા બાળકો અટવાયા

જામનગર પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. જામનગરમાં એક ઈંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. બે વિસ્તારોને જોડતા જકાતનાકા રરોડ પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત કોલેજ, હોસ્પિટલ, ઍરફોર્સના વિસ્તારને જોડતા રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ તરફ કાલવડ તાલુકાના મૂળિયા ગામનો પૂલ તૂટ્યો હતો. ભારે વરસાદ પડતા મૂળિયા ગામની નદીમાં પૂર આવ્યુ હતુ અને પૂલ ધરાશાયી થયો હતો. પૂલ તૂટી જતા બાળકોને લઈને જઈ રહેલી સ્કૂલ બસ પણ ફસાઈ હતી. જે બાદ આસપાસના ગ્રામજનોએ લોકોનું રેસક્યુ કર્યુ હતુ. પૂલ તૂટવાને કારણે અનેક ગામો વચ્ચેનો સંપર્ક કપાયો છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત બાદ પણ રસ્તો ન બનાવતા રોષ ફેલાયો છે. જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ રહેત! શું દુર્ઘટના ઘટે તો જ તકેદારીના પગલા લેવાય? પાણી પહેલા પાળ બાંધવામાં તંત્ર કેમ હંમેશા ઉણુ ઉતરે છે તેવા સવાલ ઉઠી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામી ગયુ છે અને જામનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી છે. વાલાસણ ગામમાં વરસાદ પડતા અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

આ તરફ કાલાવડ પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો. ગ્રામ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ. ગ્રામ્યમાં મૂળીલા, ખરેડી, જસાપર, બાલભંડીમાં ધોધમાર વરસાદ વરસ્યો.જેના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યુ. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાતા લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો.

આ તરફ જામનગરમાં પડાણા, રંગપર, સિક્કા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. અસહ્ય ગરમી વચ્ચે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો. વરસાદને કારણે અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ તરફ નવાગામ ઘેડ ઈલેક્ટ્રીક સબસ્ટેશનમાં વરસાદને કારણે આગ લાગી હતી. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.