સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આજે મુન્દ્રા તાલુકાના નવીનાળની સીમમાં ડેમની પાછળ ધમધતા દેશી દારૂના હાટડા પર ઓચિંતો દરોડો પાડી નવ શખ્સને ૨.૬૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી સપાટો બોલાવ્યો હતો. ઔદ્યોગિક ક્ષેત્ર મુંદરા તેમજ માંડવીમાં પરપ્રાંતીય શ્રમિકવર્ગની સંખ્યામાં વધારો થતાં ખાસ કરીને મુંદરાના વિસ્તારમાં દેશી દારૂની બદીએ જોર પકડયું છે. ત્યારે આજે રાજ્ય સ્તરની એસએમસીના પીએસઆઇ એ.વી. પટેલ અન તેમની ટીમે મુન્દ્રા તાલુકાના નવીનાળની સીમમાં ડેમ પાછળ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી છે.
આ દરોડામાં ૩૪૦ લિટર દેશી દારૂ કિં. રૂા. ૬૮૦૦, રોકડા રૂા. ૨૦,૧૧૦, નવ મોબાઇલ કિં. રૂા. ૫૦,૦૦૦ અને ચાર વાહન કિં. રૂા. ૧,૯૦,૦૦૦ અને ત્રણ પ્લાસ્ટિકના બેરલ કિં. રૂા. ૨૫૦ એમ કુલ રૂ . ૨,૬૭,૧૬૦ના મુદ્દામાલ સાથે દારૂૂનો હિસાબ રાખનારા કિશનસિંહ દશરથસિંહ જાડેજા (કુંદરોડી) અને દારૂ વેચનાર મજૂર એવા મહેશ વિજુભા વાઘેલા (વડા- બનાસકાંઠા), જયદીપસિંહ જીલુભા ચૌહાણ (કુંદરોડી), તેજસ નવલદાન બારોટ (ભુજપુર), વિજયસિંહ મહિપતસિંહ રાઠોડ (બારોઇ), કરણસિંહ કલુભા પરમાર (ગુંદાલા), ભરત પાલુભાઇ વર્મલ (રાવ) તથા મહેન્દ્ર મદનલાલ બારોટ (રહે. બન્ને નવીનાળ) અને દારૂના બાચકા નાખનારા નરેશ લાખાભાઇ જોગી (વડાલા)ને ઝડપી પાડયા હતા,
જ્યારે દેશી દારૂનો ધંધાર્થી અને મુખ્ય આરોપી મુન્દ્રા તાલુકા કોંગ્રેસનો પૂર્વ પ્રમુખ ગજુભા ભીમજી જાડેજા (નવીનાળ) અને દેશી દારૂ પૂરો પાડનાર ગોપાલ લાધાભાઇ ગઢવી અને તેનો ભાગીદાર મોહન પત્રામલભાઇ ગઢવી (રહે. બન્ને વવાર) હાજર મળ્યા ન હતા, પરંતુ પકડાયેલા આરોપીઓ પાસેથી તેઓની સંડોવણી ખૂલી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશી દારૂની બદીને લઇને મુંદરા અને માંડવી વિસ્તારમાં મહિલાઓએ રેલી કાઢી આવેદનપત્રો પાઠવી આ દૂષણ પર ધાક બેસાડતી કામગીરી કરવા એક કરતાં વધુ રજૂઆતો કરી છે.એસએમસીની કાર્યવાહીને લઇને સ્થાનિક પોલીસ પર પણ ઉચ્ચ સ્તરેથી પુછાણા સહિતની ખાતાકીય કાર્યવાહીની સંભાવના જોવાઇ રહી છે.