
ટી ૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમ અને તેની ટીમને ચારે બાજુથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા યજમાન યુએસએ સામે અને પછી કટ્ટર હરીફ ભારત સામેની હારથી પાકિસ્તાની લોકો ખૂબ જ નિરાશ છે.પરંતુ હવે આ મામલો પાકિસ્તાનની સંસદમાં પહોંચી ગયો છે, જ્યાં અબ્દુલ કાદિર પટેલ નામના સાંસદે મીટિંગની વચ્ચે જ બાબર આઝમ અને પાકિસ્તાનની ટીમને ટ્રોલ કરી છે. તેણે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો ઉલ્લેખ કરીને કટાક્ષ પણ કર્યો હતો.
અબ્દુલ કાદિર પટેલે કહ્યું કે પાકિસ્તાનની ટીમને શું થયું છે કે તેઓ યુએસએ સામે પણ હારી ગયા. ભારત સામે પણ હાર્યા બાદ આ સાંસદે કહ્યું કે બાબર આઝમે એક વરિષ્ઠ ક્રિકેટર પાસેથી બોધપાઠ લેવો જોઈએ અને રેલીનું આયોજન કરવું જોઈએ અને કાગળો લહેરાવવા જોઈએ અને કહેવું જોઈએ કે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
આમ કરીને બાબર આઝમ આખો મામલો શાંત કરી શકે છે. તમને જણાવી દઈએ કે અવિશ્ર્વાસ પ્રસ્તાવ દરમિયાન ઈમરાન ખાને પેમ્પલેટ લહેરાવતા તે જ શબ્દો કહ્યા હતા, જેનો ઉલ્લેખ અબ્દુલ કાદિર પટેલે કર્યો છે. પાકિસ્તાન ૨૦૨૨ ટી ૨૦ વર્લ્ડ કપની રનર-અપ ટીમ હતી, જ્યાં તે ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. પરંતુ આ વખતે પાકિસ્તાની ટીમ પહેલા રાઉન્ડથી પણ આગળ વધી શકી નથી.
પહેલા બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાનને યુએસએના હાથે અપસેટનો સામનો કરવો પડ્યો હતો, જેની મેચ સુપર ઓવર સુધી ચાલી હતી. ત્યા પાકિસ્તાનની ટીમ જીતની નજીક હોવા છતાં ભારત સામે હારી ગઈ હતી. તે પછી, આયર્લેન્ડ અને કેનેડા સામેની જીત પણ તેને મદદ કરી શકી નહીં, તેથી પાકિસ્તાન સુપર-૮માં જઈ શક્યું નહીં.
આ પહેલા બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાન ૨૦૨૩ વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી શક્યું ન હતું. આ કારણે બાબર આઝમને કેપ્ટન પદેથી હટાવવાની પણ માંગ ઉઠી છે.