ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં મન મૂકીને મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. તેના લીધે તાલાલા ગીર અને સુત્રાપાડાના ગ્રામ્યમાં ભારે વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના પીખોર ગામે ભારે પવન સાથે મૂશળધાર વરસાદ વરસ્યો છે. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું. ધોધમાર વરસાદ બાદ વરસાદે વિરામ લીધો હતો.

સુત્રાપાડાના જમાલપરા, ભૂવાવડા, ગીર વિઠ્ઠલપુર, વડાલા અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. અંદાજે બે ઇંચ વરસાદ વરસ્યો છે. સિઝનના પ્રથમ વરસાદથી વોકળામાં પાણી વહેતા થયા હતા. જમાલપરા નજીક વોકળામાં પુર આવ્યું હતું. બીજી તરફ ખેતરો પાણીથી તરબોળ થયા છે. ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે.

કોડીનાર તાલુકાના ડોળાસા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ ત્રાટક્યો હતો. હાલ વરસાદે વિરામ લીધો છે. વરસાદના કારણે કોડીનારના ખેડૂતો ખુશખુશાલ થયા છે. જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વંથલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોને ગરમીથી રાહત મળી છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વડાલ, બામણગામ, સુખપુર, કાથરોટા ગામમાં વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે.

જૂનાગઢ શહેરમાં વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે. સાબલપૂર, ઝાંઝરડા રોડ, મધુરમ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.