- આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી તેમજ બાગાયતી વિભાગ દ્વારા દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત-ઘન જીવામૃત-ખાટી છાશ અને ગૌ-કૃપા પદ્ધતિ અપનાવે એ માટે કરાતી ઝુંબેશ.
દાહોદ, ગુજરાત રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સઘન પ્રયાસો કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટરમાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓને સાથે રાખી રાજ્યમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રયત્નો કરી રાજ્યભરમાં માસ્ટર ટ્રેઇનર તૈયાર કરી તેઓને ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ગામ ખાતે ખેડૂતો પ્રાકૃતિક ખેતીને સમજતા થાય અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સંકલ્પ લે તેવા હેતુથી પ્રાકૃતિક ખેતી તાલીમ યોજવામાં આવી હતી.
રાજ્યના ખેડુતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને માનવતા અને જીવ કલ્યાણ માટે આરંભાયેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં આધુનિક ટેકનોલોજીના વિનિયોગ સાથે જોડાઇ ધરતી માતા અને કૃષિપેદાશોને ઝેરમુક્ત બનાવવા પ્રયત્નને વેગ આપી રહ્યા છે.
આત્મા પ્રોજેક્ટની ટીમ થકી રાસાયણિક ખાતરો અને દવાઓનો વધુ ઉપયોગ કરવાથી થતા નુકસાન અંગેની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. રાસાયણિક ખાતરથી ખર્ચ વધવા છતાં જમીનની ફળદ્રુપતા ઓછી થવાથી ખેતીમાંથી ઉત્પાદન ઓછું થવા લાગ્યું. જયારે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત, ખાટી છાશ અને ગૌ-કૃપા અમૃતમ બેક્ટેરીયાના ઉપયોગ થકી જુદી જુદી વનસ્પતિ – ફળોના ઉપયોગ કરીને દવા બનાવવામાં આવે છે અને તેમાંથી નાઈટ્રોજન, ફોસ્ફરસ, અને પોટાશ જેવા તત્વો મેળવવામાં આવે છે.
ખેડૂતોને આંતરપાક પધ્ધતિ, આવરણ, ટપક અને ફુવારા પધ્ધતિનો ઉપયોગ થકી બાગાયતી પાકો અને નર્સરીનો કેવી રીતે વિકાસ થાય છે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતી કરવાથી થતો નહીવત ખર્ચ, જમીનમાં જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી સુક્ષ્મજીવોનું પ્રમાણ વધ્યું છે અને જમીનમાં અળસિયા પણ વધે છે જેવી મહત્વની બાબતો સમજાવવામાં આવી હતી.
જમીનમાં અળસિયાની સંખ્યા વધવાથી જમીન પોચી અને ફળદ્રુપતામાં વધારો થાય છે. પાકમાં આચ્છાદનનો ઉપયોગ કરવાથી જમીનમાં ભેજ ટકી રહે છે અને નિંદામણનું પ્રમાણ ઘટે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન થતા પાકની ગુણવતા તેમજ આવકમાં પણ વધારો થાય છે. આમ, દાહોદ જીલ્લામાં વિવિધ ગામોમાં આત્મા પ્રોજેક્ટ ટીમ દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.